Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

દમણમાં વધતા કોરોના કેસ : કોવિડ સેન્ટરમાં 107 બેડ ફૂલ : નવા મકાનમાં સુવિધા કરાઇ

કેટલાક દર્દીઓને નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરાયા : મેડિકલ અને પેરા મેડિકલનો સ્ટાફ પણ પુરતો

દમણમાં દિનપ્રતિદિન કોવિંડ 19ના કેસો વધી રહ્યા છે એ જોતા પ્રશાસન વિભાગ દ્વારા મરવડ કોવિંડ સેન્ટરની સાથે નજીકમાં આવેલી એક નવી બિલ્ડિંગને કોવિંડ હોસ્પિટલમાં તબદીલ કરવામાં આવી છે. સોમવારે કોરોના પોઝિટવના વધુ 20 કેસ આવતા કેટલાક દર્દીને નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરાયા છે.

  હોસ્પિટલના એક ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ અમારી પાસે સ્પેશિયાલિસ્ટ ડોકટરની પુરી ટીમ હોવાથી દર્દીઓની સારવારમાં કોઇ તકલીફ અત્યારે કે ભવિષ્યમાં આવી શકે એમ નથી. દમણમાં અત્યાર સુધીમાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 192 ઉપર પહોંચ્યો છે. જોકે, અત્યાર સુધીમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી તેની સાથે જ દર્દીઓની રીકવરી રેટમાં પણ વધારો થયો છે.

અત્યાર સુધીમાં 77 દર્દીઓ સંપૂર્ણ સ્વસ્થ થઇને ઘરે ગયા છે. મરવડ સરકારી હોસ્પિટલના એક અધિકારીએ જણાવ્યું કે, હાલમાં મરવડ કોવિંડ કેર સેન્ટરમાં 107 બેડની ક્ષમતા છે. જે લગભગ પૂર્ણ થઇ ગઇ છે જેથી કરીને નજીકમાં આવેલી નવી બિલ્ડિંગમાં વધુ 119 બેડની કેપિસિટી યુક્ત હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે. સોમવારે કેટલાક દર્દીઓને નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરાયા છે. આ ઉપરાંત મેડિકલ અને પેરા મેડિકલનો સ્ટાફ પણ પુરતો છે.

(1:14 pm IST)