Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

લોકડાઉન બાદ પહેલીવાર પાવાગઢ મંદિરના દ્વાર ખુલ્યા : હેરિટેજ સાઇટ્સ પણ ખુલ્લી મૂકાઈ

હાલ મંદિરમાં પ્રસાદ, ચુંદડી કે અન્ય કોઈ વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ

પંચમહાલ :જ્યારથી કોરોના મહામારી શરૂ થઈ ત્યારથી લઈને ગુજરાતના અનેક મંદિરો બંધ હતા, અને અનલોકમાં સમયાંતરે ખોલવામાં આવ્યા છે. પરંતુ પાવાગઢ મંદિરના દ્વાર હજી સુધી ભક્તો માટે ખોલાયા ન હતા. પરંતુ હવે લાંબા સમય બાદ પાવાગઢ નિજ મંદિરના દ્વાર ખૂલ્યા છે. શક્તિપીઠ પાવાગઢ દર્શનાર્થીઓ માટે આખરે ખુલ્લું મૂકાયું છે. કોરોના મહામારીને લઈ લોકડાઉન દરમિયાન યાત્રાધામ પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે બંધ કરાયું હતું. અંદાજીત સાડા ત્રણ માસ ઉપરાંતના સમયગાળા બાદ સરકારના નિયમો અનુસરી દર્શન માટે મંદિર શરૂ કરવામાં આવ્યું છે.

મંદિર ટ્રસ્ટ અને ઉડન ખટોલા સંચાલકો દ્વારા સોશ્યલ ડિસ્ટન્સ, સેનેટાઈઝિંગ સહિતની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે. જોકે કોરોનાથી સાવચેતીના ભાગરૂપે મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદી વિતરણ અને અન્ન ક્ષેત્ર હાલ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. સવારે 6.00 વાગ્યાથી સાંજના 7.00 વાગ્યાં સુધી ભક્તો દર્શનનો લ્હાવો લઇ શકશે. હાલ મંદિરમાં પ્રસાદ, ચુંદડી કે અન્ય કોઈ વસ્તુ લઈ જવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જોકે, હજી લોકો આ અંગે અજાણ હોવાથી પ્રથમ દિવસે દર્શનાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી. એકલ દોકલ દર્શનાર્થીઓ જોવા મળ્યા હતા.

પાવાગઢ મંદિરની સાથે સાથે તેની નજીક આવેલ હેરિટેજ સાઇટ્સ પણ પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકાઈ છે. લોકડાઉનના કારણે છેલ્લા ત્રણ માસ ઉપરાંતના સમયથી આ હેરિટેજ સાઈટ્સ બંધ કરાઈ હતી. તમામ સાઇટ્સ જુમ્મા મસ્જિદ, સાત કમાન, શહેર કી મસ્જિદ સહિતના મોન્યુમેન્ટ્સ ખોલી દેવાયા છે. કોવિડ 19 ની ગાઈડલાઈનનું પાલન કરી તમામ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લઈ શકાશે. આર્કિયોલોજી વિભાગ દ્વારા પ્રવાસીઓના ટેમ્પરેચર ચેક કરવા, સેનેટાઈઝ કરવા સહિતની સુવિધા પણ ઉપલબ્ધ કરાઈ છે.

(1:04 pm IST)