Gujarati News

Gujarati News

News of Tuesday, 7th July 2020

આજનો દિ' ચાલુ, કાલથી વરસાદમાં ઘટાડો

સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આવતીકાલથી વરસાદની માત્રામાં ઘટાડો થશે : દક્ષિણ ભારત - મધ્ય ભારત અને મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ ચોમાસુ ફરી નબળુ પડશે : મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં વરસાદનું જોર ચાલુ રહેશે : સ્કાયમેટ

નવી દિલ્હી : સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં આજનો દિવસ ઝમાઝમ વરસશે. આવતીકાલથી વરસાદની માત્રામાં ઘટાડો આવશે. તેમ વેધરની ખાનગી સંસ્થા સ્કાયમેટે જણાવ્યુ છે. જયારે દેશના દક્ષિણ ભારત, મધ્ય ભારત અને મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં પણ નૈઋત્યનું ચોમાસુ નબળુ પડી જશે. જયારે મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આગામી બે થી ત્રણ દિવસ વરસાદનું જોર ચાલુ રહેેશે.

સમગ્ર દેશભરમાં સામાન્યથી ૧૩ ટકા વધુ વરસાદ થયો છે. દેશના મધ્ય ભાગોમાં સામાન્યથી ૨૬ ટકા, દક્ષિણ ભારતમાં સામાન્યથી ૧૧ ટકા, પૂર્વોત્તર ભારતમાં ૮ ટકા વધુ જયારે ઉત્તર ભારતમાં સામાન્યથી ૮ ટકા ઓછો વરસાદ નોંધાયો છે.

આગામી ત્રણ દિવસમાં દેશના અનેક રાજયોમાં ચોમાસુ નબળુ પડશે. દક્ષિણ ભારત, મધ્ય ભારત તેમજ ગુજરાત અને મહારાષ્ટ્રમાં ચોમાસુ નબળુ પડી જશે. વરસાદની માત્રામાં ઘટાડો આવી જશે.

ચોમાસુરેખા ગુજરાત, મધ્યપ્રદેશ અને ઝારખંડથી વેલમાર્ક લોપ્રેસર સુધી છવાયેલ છે. સિસ્ટમ્સોમાં બદલાવ આવ્યો છે. વેલમાર્ક લોપ્રેસર ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધશે. બીજુ એક લોપ્રેસર ૨૪ કલાક બાદ નબળુ પડી જશે. ચોમાસુરેખા ઉત્તર - પશ્ચિમ એમ.પી. પાસે આવી જશે.

જેની અસરથી મધ્ય ભારતમાં આગામી બે ત્રણ દિવસ એકધારો વરસાદ ચાલુ રહેશે. જેમાં મુખ્યત્વે મધ્યપ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં ૪૮ થી ૭૨ કલાક દરમિયાન તા.૮ અને ૯ જુલાઈના વરસાદ ચાલુ રહેશે. અમુક જગ્યાએ ભારે વરસાદની શકયતા છે. અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે.

છત્તીસગઢ અને ઓરીસ્સામાં વરસાદ પડશે. પરંતુ વરસાદની માત્રા ઓછી જોવા મળશે.ભારે વરસાદ નથી. બીજી તરફ મહારાષ્ટ્રમાં વિદર્ભ, મરાઠાવાડામાં વરસાદની તીવ્રતા વ્યાપકરૂપે ઘટી જશે. મહારાષ્ટ્રમાં આગામી ત્રણ - ચાર દિવસ વ્યાપક વરસાદની સંભાવના નથી.

મુંબઈમાં ઉત્તર ભાગમાં હળવાથી મધ્યમ વરસશે. ૧૫ થી ૨૦ મી.મી. જેટલો વરસી જાય. કોંકણમાં પણ શકયતા નથી. સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં અમુક ભાગોમાં બેફામ વરસાદ થયો છે. નદી - નાળા છલકાઈ ગયા છે. આગામી સમયમાં વરસાદની માત્રામાં ઘટાડો આવશે. આજનો દિવસ સૌરાષ્ટ્ર - કચ્છ - ગુજરાતમાં સારો વરસાદ રહેશે. આવતીકાલથી વરસાદમાં વ્યાપક રૂપે ઘટાડો આવશે.

(11:25 am IST)