Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

નિવૃત પોલીસ અધિકારીઓને પોતાના વડીલ ગણાવી તેમની પડખે રહેવાનું વચન આપતા અનુપમસિંહ ગેહેલોત

અભયસિંહ ચુડાસમાનું પણ 'અભય'વચનઃ નિવૃતી માણવા પી.સી.ઠાકુરની અપીલઃ નિવૃત ગેઝેટેડ અધિકારીઓનું સંમેલનઃ પુસ્તક વિમોચન થયું

રાજકોટ તા.૮: સેવા નિવૃત ગેઝેટેડ પોલીસ અધિકારીઓના એસોસીએશન દ્વારા યોજાયેલા વાર્ષિક સંમેલનમા ઉચ્ચ પોલીસ અધિકારીઓ, રાજકીય સહિત વિવિધ ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

     આ પ્રસંગે સમગ્ર રાજયના ઉચ્ચ પોલીસ અધિકારીઓથી માંડી સેવા નિવૃત ગેઝેટેડ અધિકારીઓની વિગતો સાથેની પરિચય પુસ્તિકાનુ વિમોચન કરાયુ હતુ. સમારોહના મુખ્ય મહેમાન રાજયના નિવૃત પોલીસ વડા પી.સી.ઠાકુરે એસોસીએશનની પારીવારીક ભાવનાને બિરાદાવી હતી. તેમજ સેવાકામના કુરૂક્ષેત્રમાંથી હવે જીવનના વૃંદાવનમાં આપ સૌ જીવનનો આનંદ માણો તેવી શુભેચ્છા વ્યકત કરી હતી.

     આ પ્રસંગે પંચમહાલ રેન્જના વડા એડીજીપી મનોજ શશીધરે નિવૃતિ પછીની પારિવારિક ભાવનાને ઉજાગર કરતી પ્રવૃતિ અને સંગઠનને સાકાર કરનાર હોદેદારો તેમજ ઉપસ્થિત સેવા નિવૃત અધિકારીઓને સ્વસ્થ જીવનની શુભકામના આપી હતી.

     શહેર પો.કમિશ્નર અનુપમસિંહ ગેહલોત અને વડોદરા રેન્જના આઇજીપી અભયસિંહ ચુડાસમાએ નિવૃત અધિકારીઓને પોતાના વડીલ ગણાવી એસોસીએશન અને અધિકારીઓની પડખે  રહેવાનો કોલ આપ્યો હતો.

     સમારંભના પ્રારંભે પ્રમુખ કિશોરસિંહ ચૌહાણે સંસ્થાની ગતિવિધિની માહિતી આપી મહેમાનોને આવાકાર્યા હતા. સંસ્થાના સેક્રેટરી અજય ગજજરે સંગઠનની માહિતી સાથે મદદરૂપ થનારાઓનો આભાર  વ્યકત કર્યો હતો. જયારે માર્ગદર્શક મંડળના નિવૃત એસીપી બારતસિંહ સરવૈયાએ મહેમાનોના પ્રભિાવને બિરદાવ્યો હતો.

     સુરત શહેર  ભાજપના પ્રમુખ નીતિનભાઇ ભજીયાવાલાએ પોલીસતંત્રની મુશ્કેલીઓની પડખે રહેવાનો કોલ આપ્યો હતો.

 સમગ્ર સમારંભનુ  રસસભર શબ્દોમાં કવિ અંકિત ત્રિવેદીએ સંચાલન કર્યુ હતુ.

(11:56 am IST)