Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

પર્યાવરણ ઝુંબેશમાં વૃક્ષોનું ફ્રી વિતરણ કરવામાં આવ્યું

પર્યાવરણ મિત્ર ઝુંબેશ હાથ ધરવામાં આવી : વૃક્ષ વાવો, વૃક્ષનું જનત કરોના અભિગમને બધા અપનાવે

અમદાવાદ,તા.૭ : પર્યાવરણને લઇને જુદા જુદા પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. પર્યાવરણ પ્રત્યે જાગૃત્તિ જગાવવા માટેના પ્રયાસ સર્વોચ્ચ સ્તરે પણ હાથ ધરવામાં આવ્યા છે ત્યારે આજે અમદાવાદ શહેરમાં રખિયાલમાં પણ પર્યાવરણ સંબંધિત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિના મૂલ્ય વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ વારાણસીમાં વૃક્ષ વાવવા સાથે સંબંધિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને પર્યાવરણને લઇને સંદેશ આપ્યો હતો. આજ રોજ અમદાવાદ ખાતે રામીની ચાલી રખિયાલ માં  પર્યાવરણ મિત્ર ઝુંબેશના ભાગ રૂપે મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા આ કાર્યક્રમ માં ૨૦૦ થી વધુ વૃક્ષોનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સુવિધાની આંધળી દોડમાં જયારે માનવીએ કુદરતે આપેલ અમુલ્ય ભેટ એવા પર્યાવરણને કોઈ ને કોઈ રીતે નુકશાન કરી રહ્યા છે ત્યારે તેનું જતન કરવું એ આપના સૌની જવાબદારી બને છે જેના ભાગે રૂપે સમાજમાં પર્યાવરણના જતનની પહેલ કરવા માટે પર્યાવરણ અંગેની લોકોમાં જનજાગૃતિ થાય અને આપણું અમદાવાદ શહેર હરિયાળું બને એ અર્થે  અભિગમ, એસોશિયેશન ઓફ સોશિયલ એન્ડ હેલ્થ અવેરનેશ (આશા ફાઉન્ડેશન) અને એનએસયુઆઈ ના સંયુક્ત ઉપક્રમે પર્યાવરણમિત્ર ઝુંબેશ કાર્યક્રમનું આયોજન રખિયાલ ખાતે કરવામાં આવ્યું હતું.  જેમાં પર્યાવરણમિત્રો દ્વારા સ્થાનિક રહીશોને વૃક્ષ વાવો – વૃક્ષનું જતન કરોના અભિગમને સૌ અપનાવે એ હેતુથી વિના મુલ્યે વૃક્ષ વિતરણ કરવામાં આવ્યું હતું. રખિયાલ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પર્યાવરણપ્રમીઓ જોડાયા હતા સાથો સાથ ૨૦૦થી વધુ સ્થાનિકોએ પર્યાવરણમિત્ર બનીને વૃક્ષ અને પર્યાવરણ જતન માટેના લેખિતમાં સંકલ્પ લીધા હતા. અભિગમ દ્વારા આયોજિત આ કાર્યક્રમનું સફળ સંચાલન  હર્ષ મકવાણા  અને ભાવિક સોલંકી દ્વારા કરવામાં આવ્યું હત્તું. પર્યાવરણ બચાવો અને જતન માટેના આ પ્રયાસને મોટી સંખ્યામાં પર્યાવરણમિત્ર બની સ્થાનિકોએ આવકાર્યો હતો જેને ધ્યાનમાં રાખી અભિગમ અને આશા ફાઉન્ડેશન દ્વારા  આગામી દિવસોમાં આ પર્યાવરણમિત્ર ઝુંબેશને સમગ્ર અમદાવાદમાં લઇ જવાશે તેવી જાહેરાત કરી હતી. આ કાર્યક્રમમાં બાપુનગર વિધાનસભા ના ધારાસભ્ય હિમ્મતસિંહ પટેલ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ.મનીષ દોશી, હિરેન બેન્કર, મહેશ ગામરા, પીનલ લાખાણી, દિપક કણજરીયા, આકાશ સોલંકી સહિત મોટી સંખ્યામાં સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:13 pm IST)