Gujarati News

Gujarati News

News of Monday, 8th July 2019

દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ : વાપી જળબંબાકાર

નવસારીની ઔરંગા નદીમાં ઘોડાપૂર : તંત્ર દ્વારા એલર્ટ જારી : દમણગંગા નદી ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે : વાપીમાં દસ ઇંચ, વલસાડમાં સાડા ૮ ઇંચ વરસાદ : મધુબન ડેમથી પાણી છોડાતા લોકોને કરાયેલા એલર્ટ

અમદાવાદ, તા.૭ : દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ચાર-પાંચ દિવસથી મેઘરાજા જાણે કે, ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં પણ મેઘરાજાની દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની ઇનીંગ રમતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. વાપીમાં દસ ઇંચ, વલસાડમાં સાડા આઠ ઇંચ, કપરાડામાં સાડા આઠ ઇંચ, ધરમપુરમાં આઠ ઇંચ, ઉમરગામમાં છ ઇંચથી વધુ અતિ ભારે વરસાદ નોંધાયો હતો, તો અન્ય જિલ્લા-તાલુકાઓ અને પંથકોમાં પણ આ પ્રકારનો સારો અને ભારે વરસાદ નોંધાયો હતો. જેના કારણે વાપી, વલસાડ, ઉમરગામ સહિતના કેટલાક સ્થળોએ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા તો, માર્ગો પર ઘૂંટણસમા પાણી ફરી વળ્યા હતા. અતિ ભારે વરસાદના કારણે નવસારીની ઔરંગા નદીમાં ઘોડાપૂર આવતાં જાણે ગાંડીતૂર બની  હતી, જેને લઇ તંત્ર દ્વારા ખાસ એલર્ટ જારી કરાયું હતું. બીજીબાજુ, દમણગંગા નદી પણ ધસમસતા પ્રવાહ સાથે બે કાંઠે વહી રહી હતી અને સાંજ સુધીમાં તો તેના પાણી પર તટની બહાર ધસી આવતાં રિવરફ્રન્ટ અને જૂનો પુલ બંધ કરવામાં આવ્યા હતા. આમ, આજે ઔરંગા અને દમણગંગામાં ઘોડાપૂર આવતાં આસપાસના વિસ્તારોના લોકોને સલામત સ્થળે ખસેડી દેવાયા હતા. બીજીબાજુ, વલસાડના મધુબન ડેમના દરવાજા ખોલાતાં નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ અપાયુ હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદને લઇ સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ભિલાડ ચેક પોસ્ટ નજીક હાઈ વે પર પાણી ભરાવાના કારણે ટ્રાફિક જામ સર્જાયો હતો. વાપી જીઆઈડીસી નજીક પણ પાણી ભરાયા હતા. વાપી મુંબઈ હાઈવેપર ટ્રાફિક જામ સર્જાયો હતો. વલસાડ-કપરાડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતા. મોગરાવાડી ગરનાળામાં પાણી ભરાતાં લોકોને પારાવાર મુશ્કેલી સર્જાઈ હતી. વલસાડમાં આવેલી ઔરંગા નદી સવારે ૧૦ વાગ્યા સુધીમાં અતિ ભયજન કહી શકાય તેવી ૪.૯ મીટરની સપાટીએ પહોંચી હતી. જેથી વલસાડના નીચાણવાળા વિસ્તારોમાં એક ફૂટથી લઈને વધુ પાણી ધુસી ગયા હતાં. પાણીનો પ્રવાહ ધીમે ધીમે ઘટી રહ્યો હોવા છતાં તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે અને વધુ બે ત્રણ ઈંચ વરસાદ થાય તો પરિસ્થિતિ વણસે તેમ હોય એલર્ટ આપવામાં આવ્યું હતું. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે દમણગંગા બે કાંઠે વહેતા મધુબન ડેમની સપાટી વધીને ૭૪.૨૦મીટર પહોંચી ગઈ છે. ડેમમાં પાણીની આવક બે લાખ ૧૦ હજાર ક્યુસેકથી વધુની છે. જેથી ડેમના સાત દરવાજા ૫.૨૦ મીટર સુધી ખોલી દેવામાં આવ્યાં હતા. મધુબન ડેમમાં પાણી છોડવામાં આવતાં તંત્ર દ્વારા નીચાણ વાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યાં હતા. વાપી બિલખાડી ઓવરફલો થતાં રહેણાંક વિસ્તારમાં પાણી ભરાયા હતા. વાપી રેલવે અંડર બ્રીજ પાણીમાં ગરક થઈ ગયો હતો. તો,  વલસાડમાં ભારે વરસાદના કારણે કૈલાસનગર વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. દમણના ઝંડા ચોક વિસ્તાર પણ પાણીમાં ગરક થઈ ગયો હતો. દમણગંગા નદી બે કાંઠે વહી રહી છે તો, મધુબન ડેમની સપાટીમાં પણ નવા નીર આવવાના કારણે સતત વધારો થઈ રહ્યો છે. તો વલસાડમાં ગરગડીયા ગામનો પુલ પાણીમાં ગરકાવ થઇ ગયો હતો અને ખેરગામનો રસ્તો પણ બંધ થઇ ગયો હતો, જેના કારણે અનેક ગામો સંપર્કવિહોણાં બન્યા હતા. દરમિયાન દક્ષિણ ગુજરાતના વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અનેક જગ્યાઓએ ભારે વરસાદ થયો છે. બીજી બાજુ નવસારી, વલસાડ, સુરત, ખેડા, આણંદ, ભરુચ, ડાંગ, વડોદરા, સાબરકાંઠામાં પણ ભારે વરસાદ થયો છે.

(9:11 pm IST)