Gujarati News

Gujarati News

News of Sunday, 8th July 2018

માનસિક ત્રાસ કેસમાં વિશેષ પીપી નીમાતાં મામલો કોર્ટમાં

કાયદાકીય મુદ્દો ઉઠાવીને તીવ્ર દલીલો કરાઈ : હાઇકોર્ટે કેસની ગંભીરતા, હાજર કરાયેલા કાનૂની મુદ્દાને ધ્યાનમાં લઇને વયોવૃધ્ધ સાસુ-સસરાની રિટ દાખલ કરી

અમદાવાદ,તા.૮ : ગાંધીનગરમાં રહેતી એક પરિણિતાએ માનસિક ત્રાસ અંગેના પતિ અને સાસરિયાઓ વિરૂધ્ધ કરેલા કેસમાં સરકાર દ્વારા સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂંક કરવામાં આવતાં વયોવૃધ્ધ સાસુ-સસરા તરફથી આવા રૂટીન અને સામાન્ય કેસમાં સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંકની કાયદેસરતા ગુજરાત હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. રિટ અરજીમાં એવો મહત્વનો કાયદાકીય મુદ્દો ઉપસ્થિત કરવામાં આવ્યો છે કે, સુપ્રીમકોર્ટે ખુદ મહત્વના અને સંવેદનશીલ કેસોમાં ખાસ કરીને કયા કેસોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂંક કરી શકાય તેની ચોક્કસ માર્ગદર્શિકા આપેલી છે, તેમછતાં તેનું ઉલ્લંઘન કરી સરકારે ગેરકાયદે રીતે આ કેસમાં સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંક કરી હોઇ તેને રદબાતલ ઠરાવવા અરજીમાં દાદ માંગવામાં આવી છે. હાઇકોર્ટે કેસની ગંભીરતા અને મહત્વના કાયદાકીય મુદ્દાને ધ્યાને લઇ અરજદાર સાસુ-સસરાની રિટ અરજી દાખલ કરી છે અને કેસની વધુ સુનાવણી આગામી દિવસોમાં મુકરર કરી છે. અરજદાર સાસુ-સસરા તરફથી કરાયેલી રિટ અરજીમાં સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ અગત્યના કાયદાકીય મુદ્દા ઉપસ્થિત કરતાં જણાવ્યું હતું કે, અરજદારના પુત્ર નિકુંજગીરી ગોસ્વામીના લગ્ન ગાંધીનગરમાં રહેતી નેહલ નામની યુવતી સાથે ફેબ્રુઆરી-૨૦૧૫માં થયા હતા પરંતુ ત્યારબાદ લગ્નજીવનમાં અણબનાવોને લઇ તેની પત્ની પિયર જતી રહી હતી. તેમની પૂત્રવધુના પિતા પોલીસ ઇન્સ્પેકટર હોઇ સારી એવી વગ ધરાવે છે. જેના કારણે અરજદાર અને તેના પરિવારજનો વિરૂધ્ધ માનસિક-શારીરિક ત્રાસની ૪૯૮(ક) સહિતની કલમો હેઠળ ફરિયાદ કરાઇ હતી. જો કે, આ કેસ ટ્રાયલ કોર્ટમાં ચાલવા પર આવ્યો ત્યારબાદ ફરિયાદી પરિણિતા તરફથી સરકારમાં અરજી કરી તેના કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટર નીમવા માંગણી કરી હતી. આશ્ચર્યની વાત તો એ છે કે, સરકારે ફરિયાદીની આ અરજી ગ્રાહ્ય રાખી મે-૨૦૧૮માં દહેજના આવા સામાન્ય અને રૂટીન કેસમાં પણ સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટની નિમણૂંક કરી દીધી, જે બિલકુલ ગેરકાયદે, અયોગ્ય અને સુપ્રીમકોર્ટના ચુકાદાથી વિરૂધ્ધનો નિર્ણય છે. અરજદારપક્ષ તરફથી સિનિયર એડવોકેટ આર.જે.ગોસ્વામીએ હાઇકોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, ખુદ સુપ્રીમકોર્ટે કેવા કેસોમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની નિમણૂંક થઇ શકે તેની સ્પષ્ટ માર્ગદર્શિકા તેના મહત્વના ચુકાદાઓમાં જારી કરેલી છે અને તે મુજબ, જાહેરહિત અને અતિ સંવેદનશીલ કેસો હોય તેમાં જ સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંક કરી શકાય, અન્ય કેસોમાં નહી. સુપ્રીમકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે, જયારે કોઇ અસાધારણ કેસ અને અપવાદરૂપ કિસ્સો હોય તો તેમાં સ્પેશ્યલ પી.પી. નીમી શકાય પરંતુ સામાન્ય અને રૂટીન કેસોમાં આ પ્રકારે ગેરકાયદે રીતે સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંક કરી શકાય નહી. આડેધડ અને મનફાવે એ રીતે સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંક નહી કરવા સુપ્રીમકોર્ટે સ્પષ્ટ તાકીદ કરી છે ત્યારે ફરિયાદીના પિતા વગદાર છે અને તેથી સરકારમાં દબાણ લાવી પોતાના વિરોધીઓને જાણીબુઝીને ભોગ બનાવવાના ઇરાદાથી આવી નિમણૂંક કરાઇ હોઇ હાઇકોર્ટે આ કેસમાં સ્પેશ્યલ પબ્લીક પ્રોસીકયુટરની કરાયેલી નિમણૂંકને ગેરકાયદે અને રદબાતલ ઠરાવવી જોઇએ. વળી, આ કેસમાં જે સરકારી વકીલ પી.ડી.વ્યાસ છે તેઓ અનુભવી, કાબેલ અને નિષ્પક્ષ સરકારી વકીલ છે કે જેઓ ખૂબ અનુભવી અને કાનૂની નિષ્ણાત છે ત્યારે સરકાર આ પ્રકારે સુપ્રીમકોર્ટના ચુકાદા અને માર્ગદર્શિકાથી વિપરીત જઇને ગેરકાયદે રીતે સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંક કરી શકે નહી અને તેથી હાઇકોર્ટે સ્પેશ્યલ પી.પી.ની નિમણૂંક રદ કરવી જોઇએ.

(9:13 pm IST)