Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

ઇડરમાં યુવતીની છેડતી મામલે બે જૂથ વચ્ચે અથડામણઃ ભારે પથ્થરમારો : પોલીસ કાફલો દોડ્યો :ટીયરગેસના સેલ છોડ્યા :૧૦૦ના ટોળાં સામે ફરિયાદ

પોલીસે બંને પક્ષો વિરુદ્ધ સામ સામે ફરિયાદ લઇ ૯ જેટલા આરોપીઓની ધરપકડ કરી

 

સાબરકાંઠા જિલ્લાના ઇડરના ભોઇવાડા વિસ્તારમાં આવેલા વેરાઇ માતાના મંદિર પાસે યુવતીની મશ્કરી કરવા બાબતે બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે અથડામણ થઇ હતી

 મળતી વિગત મુજબ ઇડરના ભોઇવાડા વિસ્તારમાં આવેલા વેરાઇ માતાના મંદિર પાસે યુવતીની મશ્કરી કરવા બાબતે બે અલગ અલગ સમાજના લોકો વચ્ચે મામલો બિચકયો હતો ભારે પથ્થરમારો થયો હતો જેની જાણ થતા તાત્કાલિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો.

 બંને પક્ષોમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિ હોવાથી ઇડર પોલીસે હિંમતનગર એલસીબી, એસઓજી તથા અન્ય સ્ટાફને મદદ માટે ઘટના સ્થળે બોલાવવા માટેની ફરજ પડી હતી. દરમિયાનમાં ટોળું વીખેરવા માટે પોલીસને બે ટીયર ગેસના સેલ છોડવા પડ્યા હતા. જોકે, મામલો સવારે શાંત પડતાં પોલીસે બંને પક્ષો વિરુદ્ધ સામ સામે ફરિયાદ લઇ જેટલા આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

પ્રથમ ફરિયાદ અનુસાર ઇડરના પાંચ હાટડિયા વિસ્તારમાં આવેલી લિંબડીયા વાસમાં રહેતી એક યુવતીની મશ્કરી ભોઇવાડામાં રહેતા યુવકે કરી હતી. જે બાબતે ઠપકો આપવા જતાં મામલો બિચક્યો હતો. ત્યારબાદ બંને સમાજના લોકો આમને સામને આવી ગયા હતા.

મામલો એટલો બિચક્યો હતો કે, બંને પક્ષો સામ સામે પથ્થર મારો કર્યો હતો. જેમાં લોકો ઇજાગ્રસ્ત થયા હતા. અને પોલીસને જાણ થતાં ઇડર અને હિંમતનગર પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવીને સ્થાતિને કાબુમાં લેવા માટે બે ટિયરગેસના સેલ છોડ્યા હતા. સ્થિતિ શાંત થતાં પોલીસે બંને પક્ષોના ૧૦૦ જેટલા લોકો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.

 

(11:24 pm IST)