Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

વડગામ તાલુકામાં ખેતરમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી કુવામાં ફેંકી દઈ ફરાર આરોપીઓને પકડવા માટે તંત્ર સજાગ

છાપી:વડગામ તાલુકાના રૃપાલ ગામે ગત બુધવારે એક સગીરા દુકાને દાળ લેવા ગઈ હતી. જ્યાં એક અજાણ્યા છોકરાએ કહેલ કે ખેતરમાં તને દિનેશ દેવીપૂજક બોલાવે છે જેથી યુવતી ખેતરમાં ગયેલ દરમિયાન હાજર દિનેશે સગીરા સાથે મિત્રની મદદથી બળજબરી પૂર્વક બલાત્કાર કરી સગીરાને દોરડેથી બાંધી કૂવામાં ઉતારી દઈ ફરાર થઈ ગયો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વડગામના રૃપાલ ગામે ગત બુધવારે એક ધૃણાસ્પદ બનાવ બનવા પામ્યો હતો. બનાવની વિગતો મુજબ રૃપાલ ગામે રહેતી એક સગીરા બપોરના સુમારે એક દુકાન ઉપર દાળ લેવા ગઈ હતી. દરમિયાન દુકાન ઉપર ઉભેલા એક અજાણ્યા છોકરાએ સગીર યુવતીને કહેલ કે તને દિનેશ દેવીપૂજક ગોવિંદભાઈ ચૌધરીના ખેતરમાં બોલાવે છે. જેથી યુવતિ ચાલતી ખેતરમાં ગયેલ જ્યાં દિનેશ દેવીપૂજક તેમજ એક અન્ય ઈસમ હાજર હતા. દરમિયાન યુવતીને દિનેશે લાઈટની ઓરડી પાછળ લઈ જઈ બળજબરી કરતા યુવતિએ ના પાડતા કમ્મરના ભાગે ધોકો મારી જાનથી મારી નાખવાની ધમકી આપી યુવતિ ઉપર બળાત્કાર કર્યો હતો અને યુવતીને ધમકી આપી હતી કે કોઈને કહીશ નહી જેથી યુવતીએ ઘરે કહી દેવાનું કહેતા નરાધમ યુવકે સાથે રહેલ મિત્રની મદદથી યુવતિને દોરડાથી બાંધી કૂવામાં ઉતારી (ફેંકી) દઈ બન્ને યુવકો ફરાર થઈ ગયા હતા. આ બનાવને લઈ સગીરાએ દુષ્કર્મ કરનાર સહિત અન્ય એક ઈસમ વિરુદ્ધ છાપી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ધૃણાસ્પદ બનાવને લઈ પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

(5:33 pm IST)