Gujarati News

Gujarati News

News of Saturday, 8th June 2019

રાજસ્થાન તરફથી તીડનું ટોળુ આવી રહયું છે

લાખોની સંખ્યામાં તીડનું ટોળુ સાઉદી અરેબીયાથી પાકિસ્તાન થઇ રાજસ્થાન સરહદ તરફ આવે છે

વડોદરા,તા.૮,વાદળ જેવું તીડનું મોટું ટોળું રાજસ્થાનની બોર્ડર પરથી ગમે ત્યારે ત્રાટકી શકે તેવી આશંકાને પગલે ગુજરાતના અન્ય જિલ્લાઓની જેમ વડોદરા જિલ્લાના ખેતીવાડી વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે.

લાખોની સંખ્યામાં તીડનું ટોળું સાઉદી અરેબિયાથી વાયા પાકિસ્તાન થઇ રાજસ્થાનની બોર્ડર તરફ આવ્યું હોવાની વિગતોને પગલે ખેતીવાડી વિભાગના અધિકારીઓ સતર્ક થઇ ગયા છે.

વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના અધિકારી નીતિન વસાવાએ કહ્યું હતું કે,વડોદરા જિલ્લામાં હાલ પુરતું કોઇ સંકટ નથી.તીડ આ સ્થળે આવે તેવી દહેશત પણ ઓછી છે.

આમ છતાં અમે અમારા વિસ્તરણ અધિકારીઓ તેમજ ખેતીના કર્મચારીઓને એલર્ટ રહેવા તાકિદ કરી છે.તીડ કે તેના જેવા ઉભા પાકના દુશ્મન નજરે પડે તો તુર્તજ ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરવા જાણ કરવામાં આવી છે.

તીડ જયાં બેસે ત્યાં સૂપડાંસાફ થઇ જાય

અડધા થી એક કિમી કે તેથી પણ વધુ વિસ્તારમાં તીડનું ટોળું એક સાથે ત્રાટકતું હોય છે.તીડ જયાં બેસે તે પાક કે બાવળિયાના સૂપડાંસાફ થઇ જતા હોય છે.

 અઢી દાયકા પહેલાં કચ્છમાં તીડના આક્રમણે હાહાકાર મચાવ્યો હતો.તીડના ટોળાંને ભગાડવાની તેમજ તેનો સફાયો કરવાની કામગીરી કરનાર વડોદરા જિલ્લાના નિવૃત ખેતીવાડી અધિકારી ધોરાજીયાએ કહ્યું હતું કે,તીડને મારવા માટે હવાઇ છંટકાવ સિવાય બીજો કોઇ વિકલ્પ નથી.૧૯૯૨માં કચ્છમાં ત્રાટકેલું તીડનું ટોળું ૩ કિમી લાંબુ અને દોઢ કિમી પહોળું હતું અને તેના ઉપર હવાઇ છંટકાવ કરવામાં આવ્યો હતો.

તીડને ભગાડવા માટે ઢોલ-નગારાં પીટવા સૂચના

વડોદરા જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા અધિકારીઓને તીડના સંભવિત આક્રમણ સામે એલર્ટ રહેવાની સૂચના આપી તીડ કે શંકાસ્પદ જીવાતો દેખાય તો તેને ભગાડવા માટે ઢોલ-નગારાં પીટવા સૂચના આપવામાં આવી છે.

(1:33 pm IST)