Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

પ્લાસ્ટિકના વપરાશ વિરૂદ્ધ તીવ્ર કાર્યવાહીનો દોર જારી

શહેરના જુદા જુદા વિસ્તારમાં આક્રમક કાર્યવાહી : ખાડિયા, શાહપુર, સરસપુર, સરદારનગર, નારણપુરામાં એકમો સીલ : ૭૫૫ને નોટિસ : પ્રતિબંધિત જથ્થો જપ્ત

 અમદાવાદ,તા.૮ : બિટ પ્લાસ્ટિક પોલ્યુશનને સફળ બનાવવા તથા પર્યાવરણ જાળવણી માટે ચા-કોફીની લારીઓમાં વપરાતા પ્લાસ્ટિકના કપ, પાણીના પાઉચ તથા પાનમસાલાના પેકિંગ માટે વપરાતા પ્લાસ્ટિકના રેપર્સના વપરાશ, સંગ્રહ અને ઉત્પાદન સામે આક્રમક કાર્યવાહી આજે પણ યથાવતરીતે જારી રહી હતી. આજે તમામ ઝોનના હેલ્થવિભાગની ટીમ દ્વારા લારીઓમાં વપરાતા જુદા જુદા પ્રકારના પ્લાસ્ટિકના રેપર્સ વેચાણ અને સંગ્રહ અને બનાવટ કરતા ધંધાકીય એકમો સામે દરેક ઝોનમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ ચેકિંગ દરમિયાન ૧૬૮૭ કિલોગ્રામ જેટલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. સાથે સાથે ૫૧૬૦૦૦નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો. ૭૫૫ નોટિસો આપવામાં આવી છે. વધુ ૬ ધંધાકીય એકમોને પણ સીલ કરી દેવામાં આવ્યા છે. આની સાથે જ છેલ્લા બે દિવસમાં ૨૦ ધંધાકીય એકમોને સીલ કરી દેવામાં આવ્યા છે. આજે હેલ્થ વિભાગની ટીમે શહેરના ખાડિયા, શાહપુર, સરસપુર, સરદારનગર, નારણપુરા જેવા વિસ્તારોમાં કાર્યવાહી કરી હતી. કાર્યવાહી હજુ જારી રહે તેવા સંકેત છે. પ જૂને 'વિશ્વ પર્યાવરણ દિવસ'થી અમદાવાદ શહેરમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણીનાં પાઉચ, ૪૦ માઇક્રોનવાળાં ઝભલાં થેલી, પાન મસાલાના લારી-ગલ્લામાં પેકિંગ માટે વપરાતાં પ્લાસ્ટિકનાં રેપર્સ, ચા-કોફીની કીટલીમાં વપરાતાં પ્લાસ્ટિકના કપ વગેરેના વપરાશ, સંગ્રહ અને ઉત્પાદન પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દેવાયો હતો પરંતુ તેમછતાં શહેરમાં હજુ છાનેછપને ચાની કીટલીઓ અને ગલ્લાં પર પાણીના પાઉચ અને પાન-મસાલાના પ્લાસ્ટિકનો વપરાશ ચાલુ હોવાની ફરિયાદો સામે આવતાં કાર્યવાહીનો દોર શરૂ થયો હતો. આજે નારણપુરામાં પારસનગર ખાતે કાતેશ્વર ડિસ્પોઝલ, નારણપુરા અંકુર કોમ્પ્લેક્ષ ખાતે મહાવીર પ્લાસ્ટિક એન્ડ ડિસ્પોઝેબલ એકમને સીલ કરી દેવામાં આવતા કારોબારીમાં ખભળાટ મચી ગયો હતો. આ કાર્યવાહી હજુ જારી રહેશે અને કાયદાનો ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે. આરોગ્ય વિભાગ દ્વારા સંબંધિતોને ચેતવણી અપાઈ છે.

(8:59 pm IST)