Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ક્રાઇમબ્રાંચની ટીમ ઉપર ફાયરીંગ કરનારા ગુનેગારો આખરે પકડાયા

ચોરીનો મુદ્દામાલ, જીવતા કારતુસ પણ કબજે કરી લેવામાં આવ્યા : પકડાયેલા શખ્સોનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે : લૂંટ સહિત ગંભીર ગુનામાં સંડોવણી : ક્રાઇમબ્રાંચે સઘન તપાસ હાથ ધરી : નવી વિગતો ખુલે તેવી વકી

અમદાવાદ, તા.૮ : શહેરના છેવાડે કઠવાડા- ભેડા હાઈવે પર આવેલી નિલકંઠ રેસિડેન્સીમાં લૂંટારૂઓને પકડવા ગયેલી શહેર ક્રાઈમ બ્રાન્ચની ટીમ પર ફાયરિંગ કરનારા આરોપીઓ આખરે ઝડપાઈ ગયા છે. લૂંટારૂઓને પકડવા ઘટનાસ્થળે પહોંચેલી પોલીસ પર લૂંટારૂ ગેંગના સભ્યોએ ફલેટની અંદરથી પોલીસ પર ૧૦ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ સમગ્ર મામલે કુલ પાંચ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. પકડાયેલા આરોપીઓ પાસેથી દેશી તમંચો અને ૮ જીવતા કારતૂસ પણ પોલીસે જપ્ત કર્યા હતા, જ્યારે ઘરમાંથી બે બુલેટ પણ મળી આવી હતી. પોલીસ પર ફાયરીંગના ચકચારભર્યા કેસમાં ખુદ પીએસઆઇ વાય.એમ.ગોહિલ ફરિયાદી બન્યા છે. પોલીસ પર ફાયરિંગ કરવા મામલે આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, પોલીસ ફરજમાં રૂકાવટ અને આર્મ્સ એકટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસ દ્વારા પકડાયેલા પાંચ આરોપીમાં પ્રતાપસિંહ રાજપૂત, અરવિંદસિંહ ઉર્ફે પપ્પુ, દિનેશગીરી ઉર્ફે બાપજી, ગોવર્ધનસિંહ ઉર્ફે પિન્ટુસિંહ અને વિનોદ માળીનો સમાવેશ થાય છે. પોલીસની પ્રાથમિક તપાસમાં તમામ આરોપીઓનો ઈતિહાસ ગુનાહીત છે અને અલગ-અલગ લૂંટ સહિતના ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા હોવાની ચોંકાવનારી હકીકત પણ સામે આવી છે. જેના આધારે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. પોલીસ અમરસિંહ ઉર્ફે અમૃતસિંહ રાજપૂત નામના આરોપીની પૂછપરછ બાદ ગોવર્ધનસિંઘ ઉર્ફે પિન્ટુસિંહને પકડવા કઠવાડા ગઈ હતી. આ દરમિયાન  પોલીસને ડરાવવા માટે આરોપીઓએ ઘરમાંથી જ વળતું ફાયરીગ કર્યું હતું. તો, અરવિંદસિંહ, દિનેશગીરી અને ગોવર્ધનસિંઘ ઉર્ફે પિન્ટુસિંઘે પાઇપ પરથી નીચે ઉતરી ફાયરિંગ કર્યું હતું. ત્યાર બાદ તેઓ  જીજે-૧-કેપી-૭૬૪૯ નંબરની વોકસવેગન કારમાં નાસી છૂટ્યા હતા. પરંતુ પોલીસે પ્રતાપસિંહને ઝડપી લીધો હતો.

આરોપીઓ નિવૃત્ત એસ.આર.પી જવાનના પુત્રના મકાનમાં ભાડેથી રહેતા હતા. તેણે કોઈ લુહાર નામના વ્યક્તિને મકાન ભાડે આપ્યું હતું. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, રાજસ્થાનની શિરોહીની કુખ્યાત ગેંગના સભ્યો કઠવાડા-ભેડા રોડ પર આવેલી નિલકંઠ રેસિડેન્સીના એક ફલેટમાં હાજર છે. બાતમીના પગલે ક્રાઈમ બ્રાન્ચની બે ટીમ ગુરૂવારે સાંજના ૭.૩૦ વાગ્યાના સુમારે સ્થળ પર પહોંચી હતા. પોલીસને એટલી બાતમી હતી કે, ગેંગ ત્રીજા માળે રહે છે પરંતુ કયા ફલેટમાં છે તે સ્પષ્ટ નહતું. દરમિયાન પોલીસની ટીમ એચ ૩૦૬ નંબરના ફલેટ પાસે પહોંચી ત્યાં તેમાંથી કૂતરાનો ભસવાનો અવાજ આવ્યો, પોલીસને થયું કે તેમાં કોઈ પરિવાર રહેતો હશે. પરંતુ અંદર રહેલા લોકોને ખ્યાલ આવી ગયો કે, બહાર પોલીસ આવી ગઈ છે. પોલીસે ઘરનો દરવાજો બહારથી બંધ કરવાનો પ્રયાસ કર્યો પરંતું અંદરથી અચાનક ગોળીબાર થયો હતો. પોલીસે શરૂઆતમાં બે લોકોને પકડી લીધા હતા પરંતુ તેમના સાથીદારોએ પોલીસની સામે રિવોલ્વરો તાકી દીધી હતી અને તેમના સાથીદારોને છોડાવી ફાયરિંગ કરતા કરતા નાસી છૂટયા હતા. જો કે, ક્રાઇમબ્રાંચે જુદી જુદી ટીમો બનાવી સઘન તપાસ ચલાવી ગણતરીના કલાકોમાં જ પાંચેય આરોપીઓને ઝડપી લીધા હતા.

(8:14 pm IST)
  • આગ્રા હાઇવે ઉપર ટ્રક અને મીની બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત : ૧૦ના મોતઃ ૧૨ને ગંભીર ઇજા access_time 4:05 pm IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST

  • શનિવારે પેટ્રોલમાં લીટરે 40 પૈસા અને ડીઝલમાં 40થી 45 પૈસાનો મોટો ઘટાડો થવાની શકયતા:સતત 11માં દિવસે પેટ્રોલ ડીઝલમાં ભાવ ઘટશે:અત્યાર સુધીમાં સૌથી મોટો ઘટાડો થશે :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,33 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,42 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 11:25 pm IST