Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ગ્રામ્ય સ્તરે ગ્રામીણજનોની આશા-અપેક્ષાઓ પૂર્ણ કરવા આયોજનબધ્ધ રીતે આગળ વધીએ – શ્રી કે.કૈલાસનાથન : ગુજરાત જેવા પ્રગતિશીલ રાજયમાં લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે આપણે નિર્ધાર કરીએ : ગુજરાતમાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સંચાલિત ‘કસ્ટમર હાયરીંગ સેન્ટર’ શરૂ કરવાનું સૂચન કરતાં કેન્દ્રિય ગ્રામ વિકાસ વિભાગના સચિવશ્રી ડૉ. અમરજીત સિંહા : ગ્રામ વહીવટ અને ગ્રામ વિકાસ સામેના પડકારો અને સંભાવનાઓ વિષયક ચર્ચા સત્ર યોજાયું

ગાંધીનગરઃ વડોદરા ખાતે જી.એસ.એફ.સી. પરિસરમાં યોજાયેલ ચિંતન શિબિરના બીજા દિવસે ગ્રામ વહીવટ અને ગ્રામ વિકાસ સામેના પડકારો અને સંભાવનાઓ અંગે યોજાયેલ ચર્ચા સત્રમાં મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્ય મંત્રી શ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીશ્રીઓ તથા વરિષ્ઠ સચિવો સહભાગી થયા હતા. 

આ ચર્ચા સત્રના અધ્યક્ષસ્થાનેથી મુખ્ય મંત્રીશ્રીના મુખ્ય અધિક સચિવ શ્રી કે. કૈલાસનાથને જણાવ્યું હતું કે, ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં પાણી, વીજળી, શિક્ષણ અને માર્ગ સુવિધા જેવા માળખાકીય સવલતોના ઘણાં કામો થયા છે. ગ્રામ્ય સ્તરે ગ્રામીણજનોની આશા-અપેક્ષાઓ પૂર્ણ કરવા  હજુ પણ આપણે વધુ ધ્યાન કેન્દ્રિત કરીને આયોજનબધ્ધ રીતે આગળ વધવું પડશે. 

તેમણે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ વિકાસ વિભાગની સામૂહિક, વ્યકિતગત અને કુટુંબ આધારિત અનેકવિધ રાજય સરકારની યોજનાઓ છે તેનો વ્યાપ વધારી તેના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા કલેકટરશ્રીઓ અને જિલ્લા વિકાસ અધિકારીઓને સૂચન કર્યું હતું.

રાજયમાં સખી મંડળોની સ્થાપના ખૂબ જ સારી રીતે થઇ છે પરંતુ તેના બેન્ક લીંકેજની પ્રક્રિયા ઝડપી બનાવવાનો અનુરોધ કરી તેમણે મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવાની અપીલ કરી હતી અને મનરેગાના કામોમાં પણ કેન્દ્ર અને રાજય સરકારના જે ધારાધોરણો છે તે મુજબ ઝડપથી કામો પૂર્ણ થાય તે જોવાની જરૂરિયાત પર ભાર મૂકયો હતો. 

શ્રી કૈલાસનાથને ઉમેર્યું કે, ગુજરાત એક પ્રગતિશીલ રાજય છે ત્યારે રાજયમાં લોકોનું ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તે માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આપણે નિર્ધાર કરીએ કે ગુજરાતના એકપણ ગામમાં કાચું મકાન નહીં હોય તો ચોકકસ આપણને તેનું નકકર પરિણામ મળશે. 

તેમણે કહ્યું કે, રાજયની ૧૭૦ નગરપાલિકા અને ૨૪૭ તાલુકા પંચાયતો, બોર્ડ-કોર્પોરેશનો છે તેમાં માળખાગત સવલતોનું નિર્માણ થાય તે માટે ખાસ અભિયાન હાથ ધરાશે. 

તેમણે ગ્રામ્ય સ્તરે ગામતળમાં વધારો કરવા માટેની જે પોલીસી છે તેનું સરળીકરણ કરવાનું સૂચન કરવાની સાથે અંતરિયાળ વિસ્તારના ગામમાં ફિલ્ડ વીઝીટ પર વધુ ભાર મૂકીને માળખાગત સવલતોના લાભો સત્વરે પૂરા પાડવા સુચવ્યું હતું.  

કેન્દ્ર સરકારના ગ્રામ વિકાસ વિભાગના સચિવ શ્રી ડૉ. અમરજીત સિંહાએ ગુજરાતના ગામડાઓમાં પાણી, વીજળી, રસ્તા, આરોગ્ય, શિક્ષણ જેવી પાયાની અને આંતરમાળખાકીય સુવિધાઓ અસરકારક રીતે ઉભી કરવામાં આવી છે, જેને પરિણામે દેશના અન્ય રાજયોના ગામડાંઓની તુલનામાં ગુજરાતના ગામડાંઓની તાસીર અલગ છે. ગુજરાતે વિવિધ ક્ષેત્રે કરેલ પહેલને સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. 

તેમણે ગામડાઓમાંથી ગરીબી નિર્મૂલન માટે સેલ્ફ હેલ્પ ગૃપને મજબૂત બનાવી ગ્રામ પંચાયતો સાથે એસ.એચ.જી. ગૃપનું જોડાણ કરવાનું સૂચન કરી સેલ્ફ હેલ્પ ગૃપમાં મહત્તમ મહિલાઓ જોડાય તો ગ્રામીણ ગરીબી દૂર કરી શકાય છે તેમ કહયું હતું. 

તેમણે જણાવ્યું કે, ગુજરાતમાં સેલ્ફ હેલ્પ ગૃપની મહિલાઓ સંચાલિત કસ્ટમર હાયરીંગ સેન્ટરશરૂ કરવામાં આવે તો ગ્રામિણ મહિલાઓ આર્થિક રીતે વધુ સશકત થઇ શકશે. 

ડૉ. સિંહાએ કેન્દ્ર સરકારના ગ્રામ સ્વરાજ અભિયાન હેઠળ રાજયના ગામડાંઓના સર્વાંગી વિકાસ માટે અમલી બનાવાયેલ સાત સૂત્રીય કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા આપી હતી.

વિકાસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે ગ્રામ વિકાસ અંગેના સત્રમાં ભાગ લેતાં જણાવ્યું હતંં કે, ગ્રામ પંચાયતોને આર્થિક રીતે સધ્ધર બનાવવી હોય તો તેને ટેકનોલોજી સાથે જોડીને તમામ ડેટા ઓનલાઇન કરવા જરૂરી છે. આ માટે રાજય સરકારે સમયબધ્ધ આયોજન કર્યું છે. ગામતળના ડેટા તથા બાંધકામ ક્ષેત્રની મંજૂરી પણ ઓનલાઇન આપવામાં આવે તે માટે તંત્રને વધુ સક્ષમ બનાવાશે. તેમણે કહ્યું કે, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતમાં સીટી સર્વેની કામગીરી પૂર્ણતાના આરે છે. 

શ્રી અગ્રવાલે કહ્યું કે, ગ્રામ પંચાયતોમાં આવકનું પ્રમાણ વધે તે માટે ઘરવેરા સહિતના તમામ ટેક્ષ ભરવા માટે સત્તાનું વિકેન્દ્રીકરણ કરી, સત્તા વધારી લોકોને જાગૃત કરવા જરૂરી છે. આ માટે ગ્રામ્ય કક્ષાએ પારદર્શિતા અને ઝડપથી નિર્ણય લઇ શકાય તે માટે ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને આયોજન કરાશે. રાજયના તમામ ગામોમાં બ્રોડબેન્ડ કનેકટીવીટી પુરી પાડવાનું આયોજન છે. ૪૦૦૦ ગામોમાં કામગીરી પૂર્ણ થઇ છે. જી.સેટના માધ્યમ દ્વારા ઇ-ગ્રામ કેન્દ્રો કાર્યરત છે. બ્રોડબેન્ડના નિર્માણ થકી કામોમાં ઝડપ આવશે અને નાગરિકોને જિલ્લા તથા તાલુકા કક્ષાએ ધકકા નહીં ખાવા પડે જેનાથી તેઓના સમય-નાણાંની બચત થવાની સાથે કામો ગ્રામ્યકક્ષાએ જ પૂરાં થશે. કેપેસિટી બિલ્ડીંગ માટે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા રોટેશન મુજબ તાલીમ આપીને પંચાયતોને સમૃધ્ધ કરવાનું રાજય સરકારનું આયોજન છે. 

યુનિસેફના ભારત ખાતેના પ્રતિનિધિ શ્રી નિકોલસે ગુજરાત રાજયને દુષ્કાળના નિયંત્રણમાં મળેલી આંશિક સફળતાની નોંધ લીધી હતી. તેમણે ગ્રામ વિકાસમાં સામાજિક ક્ષેત્રોના યોગદાનના સંદર્ભમાં સહુને માટે સ્વચ્છ પાણી અને જાહેર સ્વચ્છતાના પડકારો, તકો, વૈશ્વિક અને દેશની પરિસ્થિતિ તથા ગુજરાતની પરિસ્થિતિનું ચિત્ર રજૂ કર્યું હતું. તેમણે ગ્લોબલ વોર્મિંગના અને કલાયમેન્ટ ચેન્જીસના પાણી પુરવઠા પર પ્રભાવનું વિવેચન કર્યું હતું.

ગ્રામ વિકાસ વિભાગના અગ્રસચિવ શ્રીમતી મોના ખંધારે ગ્રામ વિકાસ વિભાગ ક્ષેત્રે યોજનાકીય કામોના આાગામી સમયના પડકારોને પહોંચી વળવા રાજય સરકારે કરેલ આયોજનની માહિતી આપતાં કહ્યું કે, ગ્રામ સ્તરે લાભાર્થીઓની પસંદગી પહેલાં બી.પી.એલ.ના આધારે થતી હતી. આજે સામાજિક અને આર્થિક સ્થિતિને અનુલક્ષીને થાય છે. ગ્રામ્ય જીવનને ધબકતું બનાવવા માટે ખેતીની સાથે ઉત્પાદકતા તેમજ સેવાકીય ક્ષેત્રો પ્રત્યે ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો  ગ્રામિણ અર્થવ્યવસ્થા વધુ મજબૂત બનશે.

શ્રીમતી ખંધારે કહ્યું કે, ગ્રામ વિકાસની યોજનાઓ વ્યકિતગત, સામાજિક અને સમૂહ આધારિત છે. જેમાં જનભાગીદારીને જોડવામાં આવે તો વધુ સારા પરિણામો મળી શકે તેમ છે. તેમણે કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા અમલી વિવિધ યોજનાઓમાં રાજય સરકાર દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિસ્તૃત વિગતો આપીને પડકારો અંગે માહિતી આપી હતી. 

તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, મુખ્ય મંત્રી ગ્રામોદય યોજના અને લાઇવલી હુડ મિશન દ્વારા મહિલાઓ માટે અમલી વિવિધ યોજનાઓની સિધ્ધિ તેમજ સમસ્યાઓ રજૂ કરી ગ્રામ્ય સ્તરે વિવિધ યોજનાઓનો સુદ્રઢ અમલ થાય તે માટે રાજય સરકાર દ્વારા ખાસ ધ્યાન કેન્દ્રિત કરાયું હોવાનું કહ્યું હતું.  

ચિંતન શિબિરમાં ગ્રામ વિકાસ સામેના પડકારો અને સંભાવનાઓ અંગેના મનન-મંથનમાં જિલ્લા કલેકટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓએ પોતાના રચનાત્મક સૂચનો રજૂ કર્યાં હતા. 

(5:05 pm IST)