Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

અધિક કલેકટર એચ.જે. પારેખે છત્તીસગઢ અને એન.ડી. પરમારે મધ્યપ્રદેશમાં ચૂંટણીની તાલીમ આપી

રાજકોટ, તા. ૮ :. કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાતના જી.એ.એસ. કેડરના અધિક કલેકટર કક્ષાના બે અધિકારીઓની માસ્ટર ટ્રેનર તરીકે પસંદગી થતા બન્નેએ જયાં નજીકના ભવિષ્યમાં ધારાસભાની ચૂંટણી આવી રહી છે. તે રાજ્યમાં જઈ ત્યાંના ચૂંટણી અધિકારીઓ અને અધિક ચૂંટણી અધિકારીઓને તાલીમ આપી હતી. ગુજરાત જાહેર સેવા આયોગમાં સંયુકત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી એચ.જે. પારેખ (મો. ૯૯૭૮૪ ૦૫૨૩૨) એ છતીસગઢમાં અને ચૂંટણી પંચની ગુજરાતની કચેરીમાં ફરજ બજાવતા શ્રી એન.ડી. પરમારે (મો. ૯૯૨૫૩ ૧૦૭૭૯) મધ્યપ્રદેશ લઈ તાલીમ આપી છે.

ચૂંટણી પંચ દ્વારા અનુભવ અને આવડતને ધ્યાને રાખીને દરેક રાજ્યમાં માસ્ટર ટ્રેનર પસંદ કરવામાં આવે છે. માસ્ટર ટ્રેનરે જ્યાં ચૂંટણી યોજાવાની હોય તે રાજ્યમાં જઈ ચૂંટણી પ્રક્રિયા સાથે સંકળાયેલા આર.ઓ. અને એ.આર.ઓ.ને ઈ.વી.એમ., વીવીપેટ અને સમગ્ર ચૂંટણી પ્રક્રિયાને લગતી મહત્વની તાલીમ આપવાની હોય છે. ગુજરાતમાં આવા ૭ જેટલા માસ્ટર ટ્રેનર છે. જેમાના બે શ્રી એચ.જે. પારેખ અને શ્રી એન.ડી. પરમારને થોડા દિવસ પહેલા અનુક્રમે રાયપુર અને ભોપાલ મોકલવામાં આવ્યા હતા. બન્નેએ તાલીમ આપવાની ભૂમિકા સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. માસ્ટર ટ્રેનર તરીકે બીજા રાજ્યમાં તાલીમ આપવા જવાની બાબત વહીવટી તંત્રમાં ગૌરવરૂપ ગણાય છે.(૨-૨૫)

(3:59 pm IST)