Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

સરકારી પરિપત્રોને વળગી રહેવાને બદલે પ્રજાહિત માટે સંવેદનશીલતાથી લોકોને મદદ કરો : વિજયભાઇ

રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલે સનદી અધિકારીઓની ત્રિદિવસીય ચિંતન શિબિરનો પ્રારંભ કરાવ્યો હતો તે વખતની તસ્વીર.

રાજકોટ તા. ૮ : મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ૯મી ચિંતન શિબિરનો પ્રારંભ કરાવતા રાજયના નીતિ નિર્ધારક અને અમલીકરણ અધિકારીઓ મંત્રીશ્રીઓને ટીમ ગુજરાત તરીકે કલેકટિવ રિસ્પોન્સિબિલિટી, કલેકિટવ ડિસિશન અને કલેકિટવ વર્ક કલ્ચરથી કાર્યરત થવા આહવાન કર્યું છે.

તેમણે કહયું કે આ ત્રિદિવસીય શિબિર ગુજરાતની વહીવટી કાર્યસંસ્કૃતિ અને પ્રજા કલ્યાણ વિકાસ કામોને નવી દિશા આપશે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે પ્રજાના હિત માટેના નિર્ણયો ઇમાનદારી અને પ્રમાણિકતાથી કરી જી.આર.ને વળગી રહેવાને બદલે તેનો હાર્દ પકડી સંવેદનશીલતા અને પારદર્શિતાથી જનકલ્યાણને પ્રાધાન્ય આપી કાર્ય સંતોષ સાથે આત્મસંતોષ મેળવવાનો સેવા ધ્યેય હોવો જોઇએ.

વિજયભાઇ રૂપાણીએ લોકોની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવાની સાથે લોકોને મદદરૂપ થવાની સંવેદના જ સરકાર પ્રત્યે લોકોની ઇમેજ પ્રજાપ્રિયતા અને ગુડ ગર્વનન્સની સાચી દિશા છે તેવો સ્પષ્ટ મત વ્યકત કર્યો હતો.      

તેમણે આ ચિંતન શિબિર એ દિશામાં સામૂહિક મનન-મંથનનું ઓપન પ્લેટફોર્મ બનશે તેવો વિશ્વાસ દર્શાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે વિકાસની નવી છલાંગ મારવા અને વિકાસના તમામ પેરામીટર્સમાં ગુજરાતને અવ્વલ રાખવાનું વૈચારિક ભાથું આ શિબિર પૂરૂ પાડશે. તેમણે શિબિરના વિવિધ સત્રોમાં મુકતમને વિચારો વ્યકત કરીને કઇક નવું કરવાની, પ્રજા વર્ગોનું ભલુ કરવાની દિશામાં વૈચારિક, આત્મિક અને આંતરિક શકિતથી સહભાગી થવા પ્રેરણા આપી હતી.

વિજયભાઇએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય અને તે પણ ચર્ચા-વિચારણા કરીને કરવાની આવશ્યકતા સમજાવતાં કહયું કે અનિર્ણાયકતા વિકાસને રૃંધે છે. જે સરકારો ઝડપી નિર્ણયો કરે તે જ લોકોનું ભલું કરનારી સરકાર છે તેવી માનસિકતા બની ગઇ છે ત્યારે સમગ્ર વર્ક કલ્ચરલ બદલીને પ્રજાના કામો આપોઆપ થઇ જાય તેવી વ્યવસ્થા ઉભી કરવા તેમણે આહવાન કર્યું હતું.

તેઓએ પ્રશાસનના દરેક વિભાગને સમાજના છેવાડાના માનવીના પ્રશ્નોના ઝડપી ઉકેલ માટે  ઓછામાં ઓછા દશ સંકલ્પો કરી તેને પાર પાડવા માટેનો રોડ મેપ તૈયાર કરવા સુચન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ લાક્ષણિક રીતે જણાવ્યું હતું કે ઇસ કિનારે કો તો બહુત જાન ચૂકે, અબ છલાંગ લગાવો, અગર નયા કિનારા મિલેગા તો નઇ દુનિયા મિલેગી. ગુજરાતમાં રાજકીય વાતાવરણ સારૃં છે, અન્ય રાજયો કરતાં અલગ પ્રશાસનિક સંસ્કૃતિ છે, ત્યારે લોકકલ્યાણના ધાર્યા પરિણામો મેળવી શકાશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ વ્યકત કર્યો હતો.

આ તકે મુખ્ય સચિવ જે.એન.સિંઘે ગુજરાતે છેલ્લા  બે દાયકામાં  સાધેલ  વિકાસની  આંકડાકીય  રૂપરેખા  આપી  આ  ચિંતન શિબિરના  માધ્યમથી ગુજરાત  વિકાસના  તમામ  ક્ષેત્રોમાં  નવી  ઉંચાઇ  સર  કરશે તેમ જણાવ્યું હતું.

શ્રી સિંઘે જણાવ્યું કે સમગ્ર દેશમાં  ગુજરાત  આજે વિકાસનું  ગ્રોથ એન્જીન  બન્યું છે. આ  ચિંતન શિબિરમાં શહેરી  વહીવટના  પડકારો, કૃષિ  વિકાસની તકો,  જાહેર  આરોગ્યમાં માતા બાળ-મુત્યુદર  ઘટાડો,  કૂપોષણ સમસ્યા, આંતર  માળખાકીય સુવિધા  વિસ્તાર ઉપરાંત ગ્રામ  વિકાસ, પ્રાથમિક  શિક્ષણ ગુણવતા સુધારણા  અંગે સવિશેષ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

પ્રારંભમાં સામાન્ય વહીવટ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રીમતી સંગીતાસિંઘે સૌનો આવકાર  કરતા જણાવ્યું કે સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ શાસન વ્યવસ્થામાં  પ્રગતિશીલતા,  પારદર્શીતા,  સંવેદનશીલતા  અને  નિર્ણાયકતાને ગુજરાતના  વિકાસના આધાર  સ્તંભો બનાવ્યા છે.  અંતમાં સ્પીપાના મહાનિર્દેશક શ્રી ધનંજય દ્રિવેદીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

આ ચિંતન શિબિરમાં નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ, મંત્રીમંડળના સદસ્યો, વરીષ્ઠ સચિવો, કલેકટરશ્રીઓ, જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓ  સહિત પ્રોબેશનરી સનદી અધિકારીઓ ભાગ લઇ રહ્યા છે.

(3:51 pm IST)