Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

એસટીમાં ૨૯ ટકા બસો સ્ક્રેપની હાલતમાં: લોકોના જીવ જોખમમાં...

અન્ય રાજયોમાં સીએનજી બસો ચલાવાય છેઃ ગુજરાતમાં રીક્ષા ફરજીયાત સીએનજી છે તો પછી એસટી બસો કેમ નહિ : ભાડાની બસોમાં ડિઝલનો આગ્રહ કેમ? રાજકોટ ડિવીઝનની ૩૭ ટકા સહિત દરેક ડિવીઝનમાં ૧૦ થી ૩૮ ટકા બસો સ્ક્રેપ થવાને પાત્ર છે : હાલ ૭૪૬૭ બસો માંથી ૧૮૬૫ બસો સ્ક્રેપ થવાને પાત્ર હોવાનો મોટો ધડાકો

રાજકોટ, તા. ૮ : ગુજરાત સરકારે ગુજરાત એસ.ટી. નિગમને ર૩રપ ડીઝલ બસોની ખરીદ કરવાની કરોડો રૂપિયાની રકમ સહિતની વહીવટી મંજુરી આપેલ છે છતાં તે બસો ઓન રોડ થઇ શકેલ નથી. એસ.ટી. નિગમમાં ૧ર૦ બસો દર મહીને સ્ક્રેપ થવાને પાત્ર બને છે, નવી બસો સમયસર સંચાલનમાં નહીં મૂકવામાં આવતી હોવાના કારણે હાલમાં ર૬.૯૦ ટકા બસો ઓવરએઇઝ રસ્તા ઉપર ચલાવવામાં આવી રહી છે.

અગાઉ ર૦૧૦-૧૧માં ર૭ ટકા ઓવરએઇજ બસો ચાલતી હતી જેથી સરકારશ્રી તરફથી વરસે ૪૦૦ કરોડ જેવી રકમો આપીને દર વરસે ૧૬૦૦ બસો નવી મૂકવામાં આવતી હતી જેથી તે ઓવરએઇજ બસોમાં ઘટાડો થઇને વર્ષ ર૦૧પ-૧૬માં ફકત ૪.પ ટકા જેટલી જ બસો ઓવરએઇજ રહેવા પામેલ, પરંતુ છેલ્લા વરસ દરમ્યાનના એસ.ટી. તંત્રના અણઘડ વહીવટના કારણે તથા નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ ચાલતા કેસમાં યોગ્ય રજૂઆત નહીં થવાના કારણે તથા વકીલો તરફથી મુદતો પડાવતા હોઇ નિગમ નવી ડીઝલની બસ એન.જી.ટી.ની મંજુરી વગર ખરીદ કરી શકતું નથી.

એક તરફ ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા પણ તબક્કાવાર સી.એન.જી. બસો મૂકવા માટેનો એકશન પ્લાન બનાવેલ હોઇ તેને અમલવારી કરવા માટેની પણ એસ.ટી. નિગમ તરફથી કોઇ યોજના અમલમાં મૂકવામાં આવેલ નથી તેના કારણે આજે નડીયાદ ખાતે ૩૯ ટકા, જામનગર ખાતે ૩૮ ટકા, રાજકોટ ખાતે ૩૭ ટકા, મહેસાણા ખાતે ર૯ ટકા, વલસાડ-ભુજ ખાતે ર૮ ટકા, સુરત-પાલનપુર ખાતે ર૭ ટકા, ભરૂચ-જુનાગઢ-ભાવનગર-અમરેલી ખાતે રપ ટકા, ગોધરા-હિંમતનગર-બરોડા ખાતે ર૦ ટકા અને અમદાવાદ ખાતે ૧૦ ટકા જેવી બસો સ્ક્રેપ થવા પાત્ર અને ઓવરએઇજ  ગુજરાતના રસ્તા ઉપર ચલાવવામાં આવી રહી છે જેના કારણે આવામી ચોમાસામાં તથા સમયમાં અકસ્માત થવાનું પ્રમાણ વધશે અને કર્મચારીઓની તથા પ્રવાસીઓની જીંદગી જોખમમાં મુકાશે. આ બાબતે કોણ જવાબદાર છે.

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ સમક્ષ ચાલતા કેસમાં તા.૯-પ-૧૮ના રોજની મુદતમાં નીગમ વકીલ હાજર રહેલ નહી અને અન્ય વકીલ રોકવા પડેલ તથા રર-પ-૧૮ના રોજ પણ મુદત પડેલ અને ૩૦-પ-૧૮ના રોજ મુદત પડેલ. આ કેસ બાબતે વારંવાર હવાઇ મુસાફરી તથા વકીલોના ખર્ચ કરીને બીન જરૂરી રીતે વિવાદો ઉભા કરીને કાનુની કાર્યવાહીમાં લાખો રૂપીયા ખર્ચ કરવામાં આવી રહેલ છે. આ કેસ અંગેની બાબત ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પણ રજુ કરવામાં આવેલ જે કેશ પણ પરત ખેંચી લેવામાં આવેલ. તો પછી હાઇકોર્ટ ખાતે કેશ કેમ દાખલ કરેલ અને લાખો રૂપીયાનો ખર્ચ કેમ કરવામાં આવ્યો? આ ડીઝલ બસોની ખરીદી કરવા બાબતના અદાલતી કેશો બાબતે કેટલો ખર્ચ કયાં કયાં પ્રકારનો કઇ કઇ તારીખે કરવામાં આવ્યો તેની માહીતી તથા સીએનજી બસો ખરીદ કરે તો પછી ગુજરાત રાજય કેમ નહી...?

નીગમના ડ્રાઇવર-કંડકટર દિવસ-રાત એક કરીને જે કમાણી કરીને જે આવક નીમગને આપે છે તે નાણા વેડફાઇ રહયા છે અને ઓવરબીજ બસો ચલાવવાના કારણે તેઓની જીંદગી જોખમમાં મુકાય છે. આ ઓવરએવઇઝ બસોથી અકસ્માત થાય તો પ્રવાસી તથા જનતાના જાનમાલને થતા નુકશાન માટે કોણ જવાબદાર બનશે.?

નિગમને સીએનજી બસો ખરીદ કરવાની કોઇ મનાઇ નથી તો પછી જયાં સુધી આ કેશનો નિકાલ ના આવે ત્યાં સુધી શા માટે સીએનજી બસો ખરીદ કરીને મૂકવામાં આવતી નથી...

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ/એન.જી.ટી. સક્ષમ એસ.ટી. નિગમ તરફથી મૂકવામાં આવેલ હકીકત મુજબ ગુજરાત એસ.ટી. નિગમ પાસે વર્તમાન સમયમાં ૭૪૬૭ બસો છે જેમાંથી ૧૮૬પ બસો સ્ક્રેપ થવાને પાત્ર છે એટલે કે તે બસો ઓવરએઇજ છે છતાં રસ્તા ઉપર ચલાવાઇ રહી છે...(૮.૧૬)

(3:39 pm IST)