Gujarati News

Gujarati News

News of Friday, 8th June 2018

ખેડૂતોના આંદોલનમાં વ્યસ્ત કોંગ્રેસ પર 'બળવા'ની આફત

શહેર - જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવો કે જગતાતના રોષનો રાજકીય ફાયદો ઉઠાવવો તેની ગડમથલમાં રહેલી કોંગ્રેસ અસંતુષ્ટોથી હચમચીઃ સિધ્ધપુર, પાટણ, દેવગઢ બારીયામાં બળવો : જુથવાદ કેમેય પીછો છોડતુ નહોય મોવડી મંડળમાં ફફડાટ

રાજકોટ તા. ૮ : રાહુલ ગાંધીની રાષ્ટ્રીય અધ્યક્ષ પદે નિમણૂક બાદ કોંગ્રેસે જાણે યુવાનીમાં પ્રવેશ કર્યો હોય તેમ કઠોર પરંતુ મજબૂત નિર્ણયો કરી દેશભરમાં ભાજપને ભીડવવા મજબૂત પ્રયાસો આદરાયા છે. જોકે ગુજરાતમાં વિધાનસભા ચુંટણીમાં કોંગ્રેસ માટે આશાના કિરણ સમા પરિણામો આવ્યા હતા પરંતુ ૨૦૧૯માં જુથવાદના કારણે વધુ એકવાર ધારી સફળતા ન મળે તેવા આસાર મળી રહ્યા છે. મજબૂત બનવાના બદલે કોંગ્રેસ જુથવાદ તથા વધુ પડતી લોકશાહીના કારણે તુટી રહી છે. છેલ્લા ત્રણ દિવસમાં કોંગ્રેસે સિધ્ધપુર, પાટણ તથા દેવગઢ બારીયામાં નગરપાલિકા ગુમાવતા અસંતુષ્ટોના કારણે કોંગ્રેસ ફફડી ગઇ છે.

ગુજરાત સહિત દેશભરનો ખેડૂત વર્તમાન સરકારથી ક્રોધિત અવસ્થામાં છે ત્યારે આ પરિસ્થિતિનો ભરપૂર ફાયદો ઉઠાવવા માંગતી ગુજરાત પ્રદેશ કોંગ્રેસે આજથી ત્રણ દિવસ આંદોલનનો બુંગીયો ફુંકી ભરચક્ક કાર્યક્રમોની જાહેરાત કરી છે તે ટાંકણે જ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં અસંતુષ્ટોએ ધોકો પછાડતા સત્તા ટકાવવા માટે દોડાદોડી થઇ પડી છે.

એક તરફ શહેર - જિલ્લા અને તાલુકા સંગઠનમાં ધરખમ ફેરફારો કરવા માટે પ્રમાણે આદરાયા છે ત્યારે બીજી તરફ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પદાધિકારીઓમાં ફેરફાર કરવામાં જુથવાદના ભોરીંગે જબરો ફંફાડો માર્યો છે. હાલમાં પંચાયતો તથા નગરપાલિકાઓમાં સત્તા બચાવવા તથા બગાવતના પ્રયાસો ડામવા કવાયતો આદરાઇ છે.

અઢી વર્ષ પૂર્ણ થતાં રાજયમાં નગરપાલિકા,જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં પ્રમુખ,ઉપપ્રમુખ અને કારોબારી સમિતીના ચેરમેન સહિતના હોદ્દા પર નિયુકિત કરવા કોંગ્રેસે ધમધમાટ શરૂ કર્યો છે.જોકે,ત્રણ જ દિવસમાં બહુમતી હોવા છતાંય કોંગ્રેસે ત્રણ નગરપાલિકા ગુમાવવી પડી છે જેના પગલે કોંગ્રેસ અસંતુષ્ટોથી ફફડી ગઇ છે. આ જોતાં કોંગ્રેેસ ડેમેજકંટ્રોલ કરી નગરપાલિકા, પંચાયતો કરવા કવાયત હાથ ધરી છે.

આગામી તા.૧૯,૨૦,૨૧મીએ કોંગ્રેસ નિરીક્ષકો સહિત જીલ્લા-તાલુકાના આગેવાનો સાથે બેઠક યોજી ચર્ચા કરવા નક્કી કર્યુ છે. લોકસભાની ચૂંટણીને પગલે સ્થાનિક રાજકીય સમીકરણોને ધ્યાનમાં રાખીને જીલ્લા પંચાયત,તાલુકા પંચાયતોમાં પ્રમુખ સહિતના હોદ્દા પર નિમણૂંકો કરવા નીતિ ઘડવામાં આવી છે.

એક તરફ,શહેરોમાં સંગઠનને મજબૂત કરવા ઘર ઘર લોકસંપર્ક શરુ કરાયો છે ત્યારે નગરપાલિકામાં અસંતુષ્ટો ભાજપના ઇશારે કોંગ્રેસનુ શાસન તોડવાના કામે લાગ્યા છે જેથી પાટણ,સિધ્ધપુર અને દેવગઢબારિયા નગરપાલિકામાંથી કોંગ્રેસ સત્તા ગુમાવવાનો વારો આવ્યો છે જેથી ફફડી ઉઠેલાં કોંગ્રેસના નેતાઓએ અત્યારથી ડેમેજ કંટ્રોલ કરવા કવાયત આરંભી દીધી છે. અત્યારે જીલ્લા પંચાયતનુુ પ્રમુખપદ મેળવવા ભારે ખેંચતાણ જામી છે. પ્રમુખ સહિતના હોદ્દા માટે કોંગ્રેસીઓ નારાજ ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે.

આ તરફ,ભાજપ શામ,દામ,દંડ ભેદની નીતિથી કોંગ્રેસમાં ફાટફુટ કરાવવા મેદાને પડી છે. આ જોતાં હજુય ઘણી નગરપાલિકા,જીલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતોમાં તોડફોડ થઇ શકે છે.

(11:41 am IST)
  • ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું કિમ જોંગ ઉન સાથેની બેઠક માત્ર તસવીરો ખેંચાવવા માટે નથી પરંતુ તેનાથી વિશેષ છે :આ ઐતિહાસિક બેઠક માટે પર્યટક રિસોર્ટ દ્વીપ સેન્ટોસાને સ્થળ તરીકે પસંદગી કરાઈ છે ;એવું મનાય છે કે આ બેઠકના કવરેજ માટે વિશ્વભરના 2500 પત્રકારો આવશે access_time 1:17 am IST

  • જાપાન દ્વારા લોકનનો પ્રથમ હપ્તો આપવા તૈયારી: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ આગળ વધે છેઃ આવતા મહિને મળશે ૧૮૦૦ કરોડઃ ટેન્ડર પ્રક્રિયા શરૂ access_time 10:30 am IST

  • રૂપાણી સરકારનું વિસ્તરણ નહિં થાય : લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગી જવા આહવાન : લોકસભા ચૂંટણી પર જરૂર જણાશે તો થશે વિસ્તરણ : હાલ નહિં થાય રૂપાણી મંત્રીમંડળનું વિસ્તરણ : કર્ણાટક ચૂંટણી બાદ હતી વિસ્તરણની આશા : હાલ વિસ્તરણ ન કરવાનો ભાજપનો નિર્ણય : લોકસભાની તૈયારીઓમાં લાગી જવા આહવાન access_time 4:01 pm IST