Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

કોરોના દર્દીઓને મદદરૂપ થવા શકિતપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા રૂ.૫૦ લાખના ખર્ચે ઓક્સિજનનો પ્લાન્ટ બનાવાશે

પંચમહાલ: કોરોના મહામારીમાં સૌ કોઈ મદદ માટે આગળ આવ્યા છે. ગુજરાતમાં અનેક ધાર્મિક સંસ્થાનો પણ મદદ કરી રહ્યાં છે. ત્યારે શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટ દ્વારા 50 લાખના ખર્ચે ઓક્સિજનનો પીએસએ પ્લાન્ટ દાન કરવાની જાહેરાત કરાઈ છે. હાલોલના તાજપુરા કોવિડ હોસ્પિટલમાં આ ઓક્સિજન પ્લાન્ટ આપવામાં આવશે. કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા અપાયેલા ઓક્સિજન પ્લાન્ટ થકી અનેક કોરોના દર્દીઓને રાહત થશે.

50 લાખના ખર્ચે બનનાર પ્લાન્ટમાં રોજ 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે

કાલિકા ટ્રસ્ટ દ્વારા બનાવી આપવામાં આવનાર આ ઓક્સિજન પ્લાન્ટમાં રોજનો 100 બોટલ ઓક્સિજન તૈયાર થશે. આ પ્લાન્ટનું સિવિલ કામ શરૂ કરીને મશીનરી માટેનો ઓર્ડર આપી દેવાયો છે. પાવાગઢ મંદિર ટ્રસ્ટના સેક્રેટરી રાજુભાઇ ભટ્ટે જણાવ્યું હતું કે, તાજપુરા ખાતે કોરોનાની સારવાર લઇ રહેલ દર્દીઓને ઓક્સિજનના રૂપમાં માતાજીનો પ્રસાદ લેતા હોવાનો અનુભવ થશે. તાજપુરા કોવિડ હોસ્પિટલની બાજુમાં જ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશે. યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરાઇ છે. 15થી 20 દિવસમાં ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત થઈ જશે.

હાલ કોરોનાને કારણે મંદિર બંધ

યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ મંદિર ટ્રસ્ટે કોરોના મહામારીન કારણે મંદિર બંધ રાખ્યું છે. મંદિર ભક્તો માટે આગામી 25 મે સુધી રહેશે બંધ. ઉલ્લેખનીય છે કે, ચૈત્રી નવરાત્રિ દરમિયાન મંદિરના દર્શન બંધ કરાયા હતા. અગાઉ 8 મે સુધી મંદિર બંધ રાખવા નિર્ણય લેવાયો હતો. જે મુદતમાં હાલની મહામારીની સ્થિતિ જોઈ વધારો કરાયો છે. તેથી ભક્તો ઓનલાઈન દર્શનનો લાભ લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ નવરાત્રિ ગઈ હતી. આ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ સહિતના વિસ્તારમાંથી લાખો માઈભક્તો દર્શનાર્થે આવે છે. કોરોના કાળ દરમિયાન સતત ત્રીજી નવરાત્રીમાં ભક્તો માટે પ્રત્યક્ષ દર્શન બંધ રખાયા હતા. અગાઉ પણ ચૈત્રી અને આસો નવરાત્રી દરમિયાન મદિરમાં પ્રત્યક્ષ દર્શન બંધ રાખી વર્ચ્યુઅલ દર્શનનું આયોજન કરાયું હતું. વિવિધ પોઇન્ટ બનાવી પોલીસ દ્વારા મોન્યુમેન્ટ અને ફરવા લાયક સ્થળો સહિત ખાસ બંદોબસ્ત રાખવામાં આવશે.

(4:48 pm IST)