Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

આણંદ જિલ્લાના શહેરી વિસ્તારમાં કોરોના સંક્રમણને અટકાવવા સ્વયંભૂ લોકડાઉનનો ચુસ્તપણે અમલ કરાવવો જરૂરી

આણંદ:જિલ્લાના શહેરી વિસ્તારો સહિત ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાના સંક્રમણને નિયંત્રિત કરવા માટે જિલ્લા વહીવટી-આરોગ્ય અને પોલીસ તંત્ર દ્વારા રાત-દિવસ તનતોડ મહેનત કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોરોનાના વધેલા કેસોને ધ્યાનમાં રાખીને કોવિડ હોસ્પિટલ, કોવિડ કંટ્રોલ સેન્ટર તથા આઈસોલેશન સેન્ટરની પણ મોટા પાયા પર વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

કોરોનાની મહામારી હાલ પોતાની ચરમસીમાએ છે અને મોટા પ્રમાણમાં લોકો તેનાથી સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે લોકો પોતાની સાથે પોતાના આસપાસ રહેલા કુટુંબીજનો તથા ગામ લોકોને પણ સુરક્ષિત રાખવા માટે પ્રયત્ન કરે તે ખૂબ જરૂરી છે. 

જો આમ નહીં કરવામાં આવે તો ધીમે-ધીમે કોરોનાનું સંક્રમણ ખૂબ મોટા પાયા પર ફેલાશે અને તેના ખૂબ માઠા પરિણામ આપણે સૌએ ભોગવવા પડશે. તંત્ર દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં રાખીને વિવિધ નિયંત્રણ દ્વારા આ મહામારીને કંટ્રોલ કરવા માટેનો પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં મોટા પાયા પર કોરોનાની સારવાર માટેના બેડની વ્યવસ્થા કરવામાં આવે છે. આમ, દિવસે દિવસે કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખી વ્યાપક સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે. પરંતુ દેશના એક જવાબદાર નાગરિક તરીકે આપણી ફરજ છે કે કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે આપણે જાતે પોતાની જાતને તેમજ પોતાની આસપાસના લોકોને પણ તેનું પાલન કરવા માટે સમજાવીએ.

(4:44 pm IST)