Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

લેન્ડ ગ્રેબીંગના નવા કાયદા મુજબના વાવડીની જમીનના ગુનામાં ફરિયાદ રદઃ ફરિયાદીએ સમાધાન કરતાં હાઇકોર્ટએ દંડ ફટકાર્યો

પાંચ હજારનો દંડ ફટકારી એફઆરઆઇ રદ કરાઇઃ રેનુબેન મહેતાએ વાવડીના કનકસિંહ જાડેજા, મહાવીરસિંહ જાડેજા તથા મહેન્દ્રસિંહ નટવરસિંહ વિરૂધ્ધ ફરિયાદ કરતાં બે આરોપીની ધરપકડ પણ થઇ હતીઃ કેસ ચાલતો હતો ત્યાં જ સમાધાનનું સોગંદનામુ રજૂ કરવામાં આવતાં હાઇકોર્ટની કાર્યવાહી

રાજકોટ તા. ૮: ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનીયમ ૨૦૨૦ની કલમ હેઠળ નવા કાયદા મુજબ તાલુકા પોલીસ મથકમાં તા. ૩/૧/૨૧ના રોજ વાવડી સર્વે નં. ૩૮/૩ પ્રેમવતી હોટેલ પાછળ ગોંડલ રોડ પર આવેલી૫૨૬૧ ચો.મી. જમીનના મામલે પ્રદ્યુમન ગ્રીનસીટી વૃંદાવન સોસાયટી રાજયોગ એપાર્ટમેન્ટ ફલેટ નં. ૪૦૧માં રહેતાં રેનુબેન યોગેન્દ્રભાઇ મહેતા (ઉ.વ.૬૦)ની ફરિયાદ પરથી આઇપીસી ૧૪૩, ૪૪૭, ૫૨૬, ૪૨૭, ૧૨૦-બી તથા ગુજરાત જમીન પચાવી પાડવા પર (પ્રતિબંધ) અધિનિયમ-૨૦૨૦ની કલમ ૨ (ચ), ૪ (૧), ૪ (૩), ૫ (ખ) મુજબ ગુનો દાખલ થયો હતો. આ કેસમાં તપાસ ચાલુ હતી ત્યારે ફરિયાદીએ આરોપીઓ સાથે સમાધાન કરી લઇ સોગંદનામુ ગુજરાત હાઇકોર્ટમાં રજૂ કરતાં હાઇકોર્ટએ એફઆઇઆર રદ કરી ફરિયાદીએ લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળ ગુનો દાખલ કરાવી પાછળથી સમાધાન કરી લીધું હોઇ આવી પ્રવૃતિ બદલ ફરિયાદીને રૂ. ૫૦૦૦નો દંડ ફટકાર્યો છે.

આ કેસમાં ફરિયાદી રેનુબેન મહેતાની ફરિયાદ પરથી તાલુકા પોલીસે વાવડી ગામના મહેન્દ્રસિંહ નટવરસિંહ જાડેજા, કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજા સામે ગુનો દાખલ કર્યો હતો. ફરિયાદીએ આરોપ મુકયો હતો કે તેમની માલિકીની વાવડી સર્વે નં. ૩૮/૩ની જમીન ૨૧૨૫ ચો.મી.નો હિસ્સો પચાવી પાડવા આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી જમીનમાં પ્રવેશી બળ વાપરી કમ્પાઉન્ડ વોલ તોડી નુકસાન કર્યુ છે. તેમજ આરોપીઓએ પોતે તથા અન્ય માણસો દ્વારા ધાક ધમકી આપી પોતાની માલિકીની જમીન ન હોવા છતાં તેમજ કબ્જો ન હોવા છતાં ગેરકાયદેસર જમીનનો કબ્જો લેવાના આશયથી ભોગવટો કરવાનો પ્રયત્ન કરી મોટી રકમ પડાવવા પુર્વયોજીત કાવત્રુ કરી ગુનો કર્યો છે.

ઉપરોકત આરોપ સાથે ગુનો દાખલ થયા બાદ પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં તાલુકા પોલીસે તપાસ હાથ ધરી જે તે વખતે કનકસિંહ મહેન્દ્રસિંહ જાડેજા અને મહાવીરસિંહ દોલતસિંહ જાડેજાની તા. ૪/૧/૨૧ના ધરપકડ કરી હતી.

એસીપી જે. એસ. ગેડમે જણાવ્યા મુજબ આ ગુનામાં કોર્ટમાં કેસ બરાબર ચાલતો હતો એ દરમિયાન ફરિયાદીએ આરોપીઓ સાથે સમાધાન કરી જેનું સોગંદનામુ હાઇકોર્ટમાં ફરિયાદી અને આરોપીઓએ રજૂ કરતાં હાઇકોર્ટએ એફઆઇઆર રદ કરી ફરિયાદીને પહેલા ગુનો દાખલ કરાવી બાદમાં સમાધાન કરી લેવા બદલ રૂ. ૫૦૦૦નો દંડ ફટકાર્યો છે.

(4:15 pm IST)