Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

સુરત મેડિકલ કોલેજના શિક્ષકોએ સરકારની ખાતરી મળતા પ્રતિક ઉપવાસ મુલતવી રાખ્યા

સુરત : નવી સિવિલ સ્થિત ગર્વમેન્ટ મેડિકલ કોલેજના શિક્ષકોએ પડતર પ્રશ્ને તા.૧૦મીથી હડતાળ પર જવાની ચીમકી સાથે પ્રતિક ધરણા કર્યા બાદ ગાંધીનગર ખાતે યોજાયેલી બેઠકમાં હકારાત્મક પ્રતિસાદ મળતા ઉપવાસ સ્થગિત કર્યા હતા. સિવિલના તમામ એડહોક તબીબી શિક્ષકોની સેવા કાયમી કરવા, સળંગ ઓર્ડર, સાતમા પગારના આધારે નોન પ્રેકટીસ એલાઉન્સ, સમયાનુસાર બઢતી, કોવિડ ફરજનું ભથ્થું સહિતના પડતર પ્રશ્ને આજે ૧૧ ડોકટરો પ્રતિક ધરણા પર બેસી ગયા હતા. ટી.બી, ફોરેન્સિક, એનેસ્થેસીયા, સર્જરી, પીએસએમ વિભાગના આ અધ્યાપકોમાં ડો.ચંન્દ્રેશ ટેલર, પારૂલ વડગામા, સંદિપ કછંલ, ડો. કુંજન પટેલ, ડો.હાર્દિક મકવાણા પણ ધરણા પર બેઠા હતા. જે ગઈ સાંજે સ્થગિત કરાયા હતા. ગુજરાત મેડીકલ ટીચર્સ એસોસીએશન સુરત બ્રાંન્ચના પ્રમુખ ડો. કમલેશ દવેએ કહ્યુ કે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીની સૂચનાથી ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં આરોગ્ય વિભાગ અને સચિવોની હાઇલેવલ બેઠકમાં ડોકટરોની માંગણી મુદ્દે ચર્ચા થઇ હતી. મોટાભાગના પ્રશ્નોના નિરાકરણની બાંહેધરી અપાઇ હતી. જેથી સેન્ટ્રલ કાઉન્સિલ દ્વારા હાલ પ્રશ્નોનું નિરાકરણ આવે ત્યાં સુધી પ્રતિક ઉપવાસ સ્થગિત કરાયા છે. સોમવારે ફરી મુલાકાત થયા બાદ આગળની રણનિતિ નક્કી કરાશે.

(3:20 pm IST)