Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

SGVP ગુરુકુલ દ્વારા સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી રૂપિયા ૨૧ લાખની આયુર્વેદ કીટોનું વિનામૂલ્યે વિતરણ

અમદાવાદ તા. ૮ હાલ કોરોના મહામારીનો સામનો કરી રહેલા દેશ-દુનિયાના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. અનેક લોકો આ બીમારીને કારણે હાલાકી ભોગવી રહ્યા છે. ગામડાઓની સ્થિતિ પણ ખૂબ નાજુક છે.

ગામડામાં ન તો દવા કે દવાખાનાની યોગ્ય વ્યવસ્થા છે કે ન યોગ્ય માર્ગદર્શન મળે છે. જેને લીધે અનેક લોકોએ પોતાના જીવ ખોયા છે.

આવી વિકટ પરિસ્થિતિમાં SGVP ગુરુકુલ સંસ્થા દ્વારા કોરોના મહામારીમાં અનોખો સેવાયજ્ઞ આરંભાયો છે. સંસ્થાના અધ્યક્ષ સ્વામીશ્રી માધવપ્રિયદાસજીની પ્રેરણાથી ‘SGVP હેલિસ્ટિક હૉસ્પિટલ’ના નિષ્ણાંત વૈદ્યો દ્વારા આયુર્વેદ કીટ તૈયાર કરવામાં આવી છે.

આ આયુર્વેદ કીટ કોવીડના દર્દીઓની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે. કીટમાં આપેલ ઔષધિઓનો યથાયોગ્ય ઉપયોગ દ્વારા શરીરમાં ઇમ્યુનિટી(રોગ પ્રતિકારક શક્તિ)નું પ્રમાણ વધે છે અને દર્દીઓ ઝડપથી સારા થઈ શકે છે.

સ્વામીશ્રીના હસ્તે આ આયુર્વેદ કીટના વિતરણનો આરંભ કરાયો હતો. ખાસ કરીને ગામડાઓમાં સ્થિતિ વધારે નાજુક હોવાથી આ કીટ ગામડાંના જરૂરિયાતમંદ લોકો માટે છે. કોવીડની ગાઈડ લાઈનમાં રહીને સ્વયંસેવકો ગામડાઓમાં કોવીડના દર્દીઓને વિનામૂલ્યે આ કીટનું વિતરણ કરી રહ્યા છે.

આજદિન સુધી ૨૫૦૦ ઉપરાંત કીટનું ૪૦ જેટલા ગામડાઓમાં વિતરણ કરવામાં આવ્યું છે. એક કીટ આશરે ૮૫૦ રૂપિયાની તૈયાર થઈ છે.

આ રીતે સંસ્થા દ્વારા આશરે એકવીસ લાખ રૂપિયાની કીટોનું વિનામૂલ્યે વિતરણ થયું છે. હજું ગામડાંઓમાં આ કીટોનું વિતરણ ચાલું છે.

આ ઉપરાંત ઘરગથ્થું ઉપચાર સરળ બને એ માટેના કેટલાક ઉપાયોનું ફોર કલર પેંપ્લેટ ૫૦૦૦ ઘરે પહોંચાડવામાં આવશે.

 

(12:05 pm IST)