Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

'મારૂ ગામ કોરોના મુકત ગામ'

વિજયભાઇ કલોલના આરસોડિયા અને અમદાવાદના સાણંદના માધવનગર ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની મુલાકાત લઇ ગ્રામિણ લોકોનું મનોબળ વધારશે

રાજ્યભરમાં ૨૪૮ તાલુકાના ગામોમાં ૧૪.૯૨૬ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૧.૩૫ લાખ બેડની સુવિધા સાથે કાર્યરત થયા

અમદાવાદ તા. ૮ : વિશ્વવ્યાપી મહામારી કોરોના સંક્રમણ સામે ગુજરાતની ગ્રામીણ જનશકિતના સહયોગ અને સતર્કતા-સાવચેતી અને રાજય સરકાર દ્વારા કોરોના સંક્રમણ નિયંત્રણના ઉપાયોથી રાજયના તમામ ૧૭ હજાર ગામોને કોરોના મુકત રાખવાના સ્વાસ્થ્ય રક્ષા ભાવ સાથે ગુજરાત સ્થાપના દિવસ ૧ લી મે થી રાજયપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના પ્રેરણા-માર્ગદર્શનમાં 'મારૃં ગામ કોરોના મુકત ગામ' અભિયાનનો રાજયવ્યાપી પ્રારંભ થયો છે.

આ અભિયાનમાં રાજયના ગામોના સૌ નાગરિકો, અગ્રણીઓ-આગેવાનોનું જે સમર્થન મળી રહ્યું છે તેના પ્રતિસાદ રૂપે ૩૩ જિલ્લાના ર૪૮ તાલુકાઓમાં ૧૪૯ર૬ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ લોકભાગીદારીથી નિર્માાણ થયા છે આ સેન્ટર્સમાં કુલ ૧.૩૫ લાખ બેડની વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કોરોના મુકિત સામે ગ્રામીણ જનશકિતના આ સીધા જંગ સમાન અભિયાન અન્વયે ગામોમાં જ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ તૈયાર કરી ગામના જે લોકોને શરદી, ખાંસી, તાવ જેવા સામાન્ય લક્ષણ હોય તેમને આવા સેન્ટર્સમાં આઇસોલેશનમાં રાખવા તેમજ તેમના રહેવા-જમવા, દવાઓની કિટ વિતરણની વ્યવસ્થા રાજય સરકાર અને ગ્રામીણ સમિતિઓના સહયોગથી કરવા આહવાન કરેલું છે. તદઅનુસાર, રાજયભરમાં આવા ૧૪૯ર૬ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ કાર્યરત કરાયા છે

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આ સેન્ટર્સ પૈકી આજે શનિવાર તા.૮ મી મે ના સવારે ૧૧ કલાકે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના આરસોડીયા ગામના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની આરોગ્ય સહિતની પ્રાથમિક સુવિધાઓના નિરીક્ષણ-મુલાકાતે જશે

તેઓ રવિવાર તા.૯ મી મે એ સવારે ૧૧ કલાકે અમદાવાદ જિલ્લાના સાણંદના માધવનગર ખાતેના કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરની પણ નિરીક્ષણ-મુલાકાત કરવાના છે

મુખ્યમંત્રી આ ગામોના ગ્રામિણ નાગરિકો, કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટરના સેવાવ્રતીઓ અને કર્મયોગીઓ સાથે સંવાદ કરી તેમનું મનોબળ વધારશે અને કોમ્યુનીટી કોવિડ કેર સેન્ટરની સુવિધાઓની જાત માહિતી મેળવશે.

અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજયભરમાં ગ્રામીણ વિસ્તારોમાં આવા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ગામના શાળા સંકુલ, દુધ મંડળી કે સમાજની વાડી અથવા મોટા ખાલી મકાનોમાં જે-તે જિલ્લા વિકાસ અધિકારીઓના માર્ગદર્શનમાં ટી.ડી.ઓ અને તેમની ટીમે ગામના આગેવાનોની સમિતી અને યુવાઓના સહકારથી કાર્યરત કરેલા છે.

ગાંધીનગર જિલ્લામાં આરસોડિયાના આ સેન્ટર સહિત ર૮૬ જેટલા કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સ ૪પ૮પ બેડની કુલ ક્ષમતા સાથે ઊભા કરાયા છે તેમજ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં ૪૬૬ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સમાં ર૯ર૪ બેડની સુવિધાઓ ઊભી કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની આ કોમ્યુનિટી કોવિડ કેર સેન્ટર્સની મુલાકાતમાં જિલ્લા વહિવટીતંત્ર અને પંચાયત તંત્રના વરિષ્ઠ અધિકારીઓ પણ જોડાશે.

(11:52 am IST)