Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

વડોદરા : કોરોનાકાળમાં ટુ-ફોર વ્હીલરના ચાર શો-રૂમના પાટિયા પડી ગયા

એક સમયે કરોડોનો કારોબાર કરનાર સંચાલકો દેવામાં ડૂબ્યા : માર્ચ-એપ્રિલમાં વાહનોના વેચાણમાં ૩૪%નો ઘટાડો નોંધાયો

વડોદરા તા. ૮ : કોરોના મહામારીમાં આર્થિક મંદીનું ગ્રહણ લાગતા ટુ અને ફોર વ્હીલરના ચાર શો-રૂમના શટર કાયમ માટે પડી ગયાં છે. ગતવર્ષની જેમ કોરોનાની બીજી લહેરમાં કાર, સ્કૂટર, મોપેડ વગેરે જેવા નવા વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ગત માર્ચની સરખામણીમાં એપ્રિલમાં વાહનોના વેચાણમાં ૩૪%નો ઘટાડો થયો છે.

કોરોના મહામારીમાં આર્થિક મંદીની અસર નવા વાહનોના વેચાણ પર વર્તાઈ રહી છે. સામાન્ય દિવસો કરતાં કોરોના કાળમાં નવા વાહનોના વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે. આ મહામારીમાં હોસ્પિટલ અને દવાના તોતિંગ ખર્ચા હોવાથી હવે લોકો નવા વાહનોની ખરીદીને ઓછી પ્રાથમિકતા આપે છે. કોરોનાને કારણે કેટલાંક ટુ અને ફોર વ્હીલરના શો-રૂમ સંચાલકો પાયમાલ થઈ ગયાં છે. લોન સહિત અન્ય નાણાંકીય જવાબદારીઓ વધી જતાં શહેરના ટુ અને ફોર વ્હીલરના ચાર શો-રૂમના શટરો કાયમ માટે પડી ગયાં છે. એક સમયે કરોડો રૂપિયાનો કારોબાર ધરાવતા શો-રૂમના સંચાલકો અત્યારે દેવામાં ડુબેલા છે. ગતવર્ષે કોરોનાથી શો-રૂમ સંચાલકોને કરોડો રૂપિયાનો ફટકો પડયો હતો. બીજી તરફ, કોરોનાની બીજી લહેરમાં પણ નવા વાહનોના વેચાણ પર ગંભીર અસર થઈ છે. ગત માર્ચ મહિનામાં કાર, સ્કૂટર, મોપેડ વગેરે જેવા ૭,૭૮૫ નવા વાહનોનું વેચાણ થયું હતું. માર્ચની સરખામણીમાં એપ્રિલમાં ૫,૧૭૩ વાહનોનું વેચાણ થયું છે. છેલ્લાં બે મહિનામાં નવા વાહનોના વેચાણમાં ૩૪%નો ઘટાડો થયો છે. વર્ષ ૨૦૨૧માં જાન્યુઆરથી એપ્રિલ મહિનામાં નવી ૧૫ નવી એમ્બ્યુલન્સની ખરીદી થઈ હતી.

  • ઓટોમોબાઈલ ડિલર્સની સર્વિસ સેન્ટર ચાલુ રાખવા માટે માગણી

કોરોના કાળમાં ફન્ટલાઇન વર્કસ અને દર્દીના સ્વજનો વગેરેને વાહનની સર્વિસની જરૂર પડે માટે શો-રૂમના સર્વિસ સેન્ટર ચાલુ રાખવાની માંગણી થઈ છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઇલ ડીલર્સ એસોસિયેશન દ્વારા સર્વિસ સેન્ટર ચાલુ રાખવામાં છૂટછાટ બાબતે કલેકટર અને પોલીસ કમિશનર પાસે માંગણી કરી હોવાનું જાણવા મળ્યું છે.

(11:50 am IST)