Gujarati News

Gujarati News

News of Friday, 7th May 2021

ગેડીયા ગેંગનો મુખ્ય સૂત્રધાર હઝરત ખાન ઉર્ફે હજુ મલેકને ઝડપી લેવાયો : લૂંટ, ધાડ, હત્યા, પોલીસ પર હુમલો સહીતના ગુના : આઠ વર્ષર્થી વોન્ટેડ

ગ્રામ્ય એલસીબીએ તેને ઝડપી પાડ્યો :ઉંમર કરતા ત્રણ ઘણા ગુનાઓ આચરનાર આરોપીએ 80 જેટલા ગુનાની કબૂલાત કરી

અમદાવાદ: ઉંમર કરતા ત્રણ ઘણા ગુનાઓ આચરનાર અને છેલ્લા આઠ વર્ષથી પોલીસને ચકમો આપી ફરાર રહેતા લૂંટ, ધાડ, હત્યા, પોલીસ પર હુમલો સહીતના ગુના આચરનાર આરોપીને ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધો હતો. આરોપીએ 80 જેટલા ગુનાની કબૂલાત કરી હતી. ઘટનાને અંજામ આપ્યા પછી પોલીસથી બચવા માટે લાંબો સમય ઝાડીઓમાં છુપાઈ રહેતો હતો. જેથી પોલીસની નજરથી દર વખતે બચી જતો હતો જો કે લાંબા સમયની મહેનત બાદ ગ્રામ્ય એલસીબીએ તેને ઝડપી પાડ્યો હતો. આરોપી પાસેથી ત્રણ કારતૂસ સાથે લોડેડ પિસ્તોલ મળી આવ્યા હતા.

ગુજરાતના અલગ અલગ હાઈવે પર રાતના સમયે અંધારાનો લાભ મેળવી ચોરી કરતા ગેડિયા ગેંગના મુખ્ય સૂત્રધાર હઝરત ખાન ઉર્ફે હજુ મલેકને અમદાવાદ ગ્રામ્ય એલસીબીએ ઝડપી લીધો હતો. તેની પાસેથી હથિયાર અને ત્રણ કારતૂસ સાથે લોડેડ પિસ્તોલ મળી આવતા જપ્ત કરવામાં આવી હતી. જો કે આ આરોપીને પકડવા માટે છેલ્લા આઠ વર્ષથી પોલીસ તેની શોધખોળ કરતી હતી જો કે દર વખતે આરોપી પોલીસને ચકમો આપી ફરાર થઈ જતો હતો. આખરે એલસીબીને બાતમી મળતા આરોપીને ઝડપી લીધો હતો.

હઝરતખાન માત્ર 29 વર્ષનો છે જો કે તેણે ચોરી, હત્યાની કોશિશ, લૂંટ અને ધાડ, પોલીસ પર હુમલો સહીતના ગુનાઓ અચર્યા હતા. માત્ર 29 વર્ષમાં 80 થી પણ વધારે ગુનાઓને અંજામ આપી ચૂક્યો હતો. પુછપરછ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે, રાતના અંધારામાં હાઈવે પર માલ સામાન લઈ જઈ રહેલી ટ્રક નજીક ચાલુ ગાડીએ તાડપત્રી કાપીને ચોરી કરતો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હઝરત 2013માં ફરાર થયો હતો. બાદમાં પોલીસની કે તેના બાતમીદારોની નજરમાં ન આવી જાય તે માટે ઝાડીઓમાં છુપાઈને રહેતો હતો. જેના કારણે પોલીસની નજરથી દર વખતે બચી જતો હતો. લોકલ ક્રાઈમ બ્રાંન્ચે હઝરત ખાનના રિમાન્ડની કાર્યવાહી હાથધરી છે.

(1:21 am IST)