Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

સિવિલ બહાર લાગતી ૧૦૮ની લાઈનો એકાએક ગાયબ થઈ?

બે દિવસથી લાઈનો જોવા નથી મળતી : ૬૦ જેટલી એમ્બ્યુલન્સની કતાર લાગતી હતી, તેના માટે તંત્રએ અલગ-અલગ વ્યવસ્થા પણ ગોઠવી હતી

સુરત,તા.૭ :  અમદાવાદઃ માર્ચ મહિનામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવવાનું શરૂ થયા બાદ થોડા દિવસોમાં જ હોસ્પિટલો ફુલ થવા લાગી હતી. અમદાવાદ સિવિલ હોસ્પિટલની બહાર પણ ૧૦૮ની લાંબી લાઈનોના દ્રશ્યો જોવા મળ્યા હતા. જો કે, હવે એકાએક બે દિવસથી સિવિલ હોસ્પિટલની બહારથી ૧૦૮ એમ્બ્યુલન્સની લાઈન ગાયબ જોવા મળી રહી છે.

         સ્થાનિક અખબારને સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, આ એમ્બ્યુલન્સો એક જગ્યાએ ઊભી રહેવાને બદલે હોસ્પિટલની આસપાસ રહે છે. જ્યારે સિવિલમાંથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવાના હોય ત્યારે એમ્બ્યુલન્સ દર્દીને લેવા પહોંચી જાય છે. જેથી સિવિલ કેમ્પસમાં ૧૦૮ની લાઈનો જોવા મળતી નથી. ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં કોવિડ સેન્ટર શરૂ કરાયા છે અને દર્દીઓને ત્યાં દાખલ કરવામાં આવી રહ્યા હોવાથી પણ સિવિલની બહારની લાઈનો ઘટી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં પહેલા ૬૦ જેટલી એમ્બ્યુલન્સની કતાર લાગતી હતી. તેના માટે તંત્રએ અલગ-અલગ વ્યવસ્થા પણ ગોઠવી હતી. પરંતુ છેલ્લા ૨-૩ દિવસોથી કતારો ઘટી ગઈ છે. હવે સિવિલમાં ૫-૭ એમ્બ્યુલન્સની જ લાઈન રહે છે અને કાર્યવાહી પણ ઝડપી થઈ રહી છે. તેનું કારણ એ છે કે ૧૦૮માં કોઈનો ફોન આવે ત્યારે દર્દીને ૪-૬ કલાકનું વેઈટિંગ હોવાનું કહેવામાં આવે છે. ત્યાં સુધી એમ્બ્યુલન્સ હોસ્પિટલની આસપાસ જ રહે છે. સિવિલમાંથી દર્દીને રજા આપવામાં આવે અથવા મૃત્યુ થાય તે સંખ્યા મુજબ ૧૦૮ને જાણ કરવામાં આવે છે અને ત્યારબાદ ૧૦૮ નવા દર્દીને લેવા પહોંચે છે. સૂત્રોનું માનીએ તો, ૧૨૦૦ બેડની આ કોવિડ હોસ્પિટલ તો ફુલ જ છે પરંતુ એમ્બ્યુલન્સને હોસ્પિટલની આસપાસ ઊભી રાખવાની જે આ નવી સિસ્ટમ વિકસાવાઈ છે તેના લીધે લાઈનો ઓછી થઈ છે. બીજી બાજુ અન્ય કોવિડ સેન્ટરો પણ કાર્યરત થયા છે. જેથી દર્દીઓને ત્યાં પણ લઈ જવાય છે. માટે સિવિલમાં લાગતી લાંબી લાઈનો ઘટવાનું એક કારણ આ પણ છે.

(9:08 pm IST)