Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

ગુજરાત કાઉન્સીલ દ્વારા કોરોનાનો ભોગ બનેલ વકીલો તેમજ વરસદારોને વધુ ૭૯લાખ ચુકવાનો નિર્ણય

અગાઉ પણ બાર કાઉન્સીલ દ્વારા ૭૧૦ વકીલ પરીવારને રૂ.૯૦ લાખની સહાય ચુકવી સહાયક થયેલ

ગાંધીનગર: કોરોનાએ ચોતરફ હાહાકાર મચાવી દીધો છે. આ કોરોનાએ અનેક લોકોનો ભોગ લીધો છે. જયારે કેટલાંકને કોરોનાના કારણે સારવાર લેવાની ફરજ પડી હતી. કોરોનાના પગલે ધંધા-રોજગાર ઠપ્પ થઇ ગયા હોવાથી ઘણાં વ્યક્તિઓની આજીવીકાનો પ્રશ્ન ઊભો થયો છે. આ બાબતને નજર સમક્ષ રાખીને ગુજરાત બાર કાઉન્સિલે તેમના સભ્યો એવા ધારાશાસ્ત્રીઓને સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. Bar Council of Gujarat

આ નિર્ણય અંતર્ગત કોરોનાના કારણે મુત્યુ પામેલા કે પછી કોરોનાની સારવાર હોસ્પિટલમાં લીધી હોય કે હોમ કવોરોન્ટાઇન થયા હોય તે તમામ વકીલોને સહાય ચૂકવવામાં આવશે. આજે ગુજરાત બાર કાઉન્સિલે 79 લાખની રકમ હોમ કવોરોટન્ટાઇન કે હોસ્પિટલમા સારવાર લેનારા તેમ જ મૃતકના વારસદારોને ચૂકવવાનો નિર્ણય કર્યો છે.

અગાઉ 710 વકીલોને 90 લાખ રૂપિયા ચૂકવ્યા હતા. આજે વધુ 79 લાખ ચૂકવવાનો નિર્ણય કરાયો છે. આમ અત્યારસુધીમાં ગુજરાત બાર કાઉન્સિલે તેમના સભ્યોને 1.69 કરોડ ચૂકવીને પોતાના સભ્યોની પડખે ઊભી રહી છે.

ગુજરાત બાર કાઉન્સિલના ચેરમેન હીરાભાઇ પટેલ, વાઇસ ચેરમેન શંકરસિંહ ગોહિલ, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ 40 કમિટીના ચેરમેન દીલીપભાઇ પટેલ અને સભ્ય દિપેન દવે, કરણસીંહ વાઘેલા ઉપરાંત એડમીનીસ્ટ્રેટિવ કમિટીના સભ્ય અનિલ સી. કેલ્લાં સહિતના હોદ્દેદારોની આજે સંયુક્ત વર્ચ્યુઅલ મિટિંગ યોજાઇ હતી.

આ મિટિંગમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા કાયમી ધારાશાસ્ત્રીઓને એક લાખ રૂપિયા ત્વરિત ચૂકવવાનો તથા કોરોના મહામારીનો ભોગ બનેલા ધારાશાસ્ત્રીઓ કે જેમણે હોસ્પિટલ કે પછી હોમ આઇસોલેશનમાં સારવાર લીધી હોય તેવા ધારાશાસ્ત્રીઓને તબીબી સહાય ચૂકવવાનો નિર્ણય કર્યો હતો. તેમાં કોરોના મહામારીમાં મૃત્યુ પામેલા ધારાશાસ્ત્રીઓના વારસદારો તરફથી 19 અરજીઓ આવી હતી. તેમાંથી 14 ધારાશાસ્ત્રીઓના પરિવારોને એક લાખ લેખે 14 લાખ ચૂકવવામાં આવશે. જયારે 5 ધારાશાસ્ત્રીઓના સ્વજનોને પૂર્તતા કરવા માટે જણાવવામાં આવ્યું છે. Bar Council of Gujarat

બીજી તરફ કોરોના મહામારીમાં સારવાર લેનારા ધારાશાસ્ત્રીઓની 460 અરજીઓ આવી હતી. આ અરજીઓ પરની ચર્ચા વિચારણાં બાદ હોસ્પિટલમાં સારવાર લેનારા 120 ધારાશાસ્ત્રીઓને મેડિકલ ખર્ચ પેટે 30 હજારની સહાય તથા હોમ આઇસોલેશનમાં સારવાર લેનારા 340 વકીલોને 10 હજાર લેખે રકમ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો. આમ 120 તથા 340 એમ મળીને કુલ 460 ધારાશાસ્ત્રીઓને 65 લાખ ચૂકવવાનો નિર્ણય કરાયો હતો. સરવાળે મૃતકના પરિવાર તથા સારવાર લેનારા વકીલોને મળીને કુલ 79 લાખ ચૂકવવામાં આવશે.

(8:50 pm IST)