Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

કપડવંજ-મોડાસા રોડ પર પુરપાટ ઝડપે જતી રિક્ષાએ બાઇકને હડફેટે લેતા ચાલકે ઘટનાસ્થળેજ દમ તોડ્યો

કપડવંજ:કપડવંજ-મોડાસા માર્ગ પર કાવઠ પાટીયા નજીકથી પુરપાટ ઝડપે પસાર થઈ રહેલ અતુલ પ્રિમીયમ રીક્ષાના ચાલકે એક મોટરસાઈકલને અડફેટે લેતાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા મોટરસાઈકલ ચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. 

આ અંગે મળતી માહિતી મુજબ કપડવંજ તાલુકાના કાણીયેલના મુવાડામાં પ્રતાપભાઈ મથુરભાઈ રાઠોડ પોતાના પરિવાર સાથે રહે છે. તેમનો ૨૪ વર્ષીય પુત્ર દિનેશ ગતરોજ સાંજના સમયે પોતાનાં મોટરસાઈકલ નં. જીજે ૦૭ સીઆર ૧૧૭૮માં પેટ્રોલ પુરાવવા જવાનું કહી ઘરેથી નીકળ્યો હતો. કપડવંજ-મોડાસા રોડ પર કાવઠ પાટીયા નજીક આવેલ પેટ્રોલપંપે જવા નીકળેલા દિનેશને માર્ગ પર પુરપાટ ઝડપે આવી રહેલ એક નંબર પ્લેટ વગરની અતુલ પ્રિમીયમ રીક્ષાએ અડફેટે લેતાં તે ગંભીર ઈજાગ્રસ્ત બન્યો હતો. અકસ્માત બાદ રીક્ષાનો ચાલક પોતાની રીક્ષા ઘટનાસ્થળે મુકી નાસી ગયો હતો. જ્યારે બીજી બાજુ અકસ્માતમાં ગંભીર ઈજાગ્રસ્ત બનેલા દિનેશ રાઠોડનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું. 

 

(5:39 pm IST)