Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

બનાસકાંઠામાં ઉનાળામાં ખેડૂતોની હાલત કફોડી બની: પાણીની તંગીના કારણે જળ સંકટ ઉભું થયું

પાલનપુર:બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા, સિપુ અને મુક્તેશ્વર ડેમના જળાશયોમાં નહિવત પાણી પુરવઠો  સંગ્રહિત થયેલ છે. બે મહિના બાદ ચોમાસામાં વરસાદી પાણીની આવક ન થાય તો આવનાર દિવસો ખેડૂતો માટે કપરા બની રહે તેવી સંભાવના રહેલી છે. ત્રણેય ડેમોમાં એક આંકડાની ટકાવારી જેટલો જથ્થો સંગ્રહિત રહ્યો છે.  કુદરતના પ્રકોપનો ભોગ બની રહેલ બનાસકાંઠા જિલ્લાને ઉનાળો કપરો સાબિત થઈ રહ્યો છે. પાણીની તંગી સહન કરતા બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા, સિપુ તેમજ મુક્તેશ્વર ડેમોના જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત પ્રમાણમાં હોવાના લીધે જિલ્લા પર મોટું જળસંકટ સર્જાઈ શકે છે. ચોમાસામાં થયેલા નહિવત વરસાદને પગલે ત્રણેય જળાશયોમાં પાણીની ઓછી આવક થઈ હતી. જેને લઈ ત્રણેય જળાશયોમાં હાલ તળિયા દેખાવા લાગ્યા છે.

(5:37 pm IST)