Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સાબરકાંઠાના વડાલી તાલુકાના માલપુરમાં ઠાકોર સમાજ આયોજીત સમુહલગ્નમાં ૨૧ બાળલગ્ન અટકાવી દેવાયા

હિંમતનગર: સાબરકાંઠાના વડાલી તાલુકાના માલપુરમાં ઠાકોર સમાજ દ્રારા આયોજીત સમૂહલગ્નમાં 31 પૈકી 21 બાળલગ્ન થતા પહેલા જ અટકાવી દેવામાં આવ્યા જ્યારે એક લગ્ન મોકૂફ રાખવામાં આવ્યું હતુ. સમુહ લગ્નના આગળના દીવસે તંત્ર અને ઠાકોર સમાજના સમુહ લગ્ન આયોજકો દ્વારા લગ્નમાં જોડાનારાઓના ઉંમરના પ્રમાણ માંગવમાં આવતા જેમની ઉંમર ઓછી હોય તેવા 21 સગીરોને લગ્ન સ્થળે નહી પહોંચવા માટે જાણ કરીને લગ્ન અટકાવી દેવામાં આવ્યા હતા.

સાબરકાંઠાના વડાલી તાલુકાના માલપુર ગામમાં ઠાકોર વિકાસ મંડળ ધ્વારા આયોજીત પાંચમા સમૂહ લગ્નોત્સવ યોજાય એ પહેલા જ બાળ લગ્ન પ્રતિબંધક કચેરી અને બાળસુરક્ષા એકમ દ્વારા 31 પૈકી 21 બાળલગ્ન અટકાવી દેવાયા હતા. જ્યારે એક યુગલના આધાર પુરાવા રજૂ ન થતા લગ્ન મોકૂફ રાખવામાં આવ્યું હતુ. અને 9 યુગલોએે પ્રભુતામાં પગલા પાડ્યા હતા.

સમુહ લગ્ન યોજનારા આયોજકોને આગોતરા પગલા લેવા સ્વરુપ પ્રમાણપત્ર મેળવી લઇ ઉંમર અંગે જાણકારી મેળવવા માટે જાણ કરી હતી. અને જેને લઇને એક દીવસ અગાઉ જ તમામ યુગલોના પ્રમાણપત્રો મેળવીને તેમની ઉંમર અંગે જાણકારી મેળવવામાં આવી હતી. જેમાં જેમને દીવસ કે મહીના ઓછા હોય તેવા તમામ યુગલોને સમુહ લગ્નમાં નહી જોડાવવા માટે સુચના આપીને બાંહેધરી મેળવવામાં આવી હતી.

જોકે આ ઘટનાને લઇને બાળ લગ્ન માટે કાયદાની જોગવાઈઓ અને જાગૃતિ અભિયાનોની કોઇ અસર જોવા મળતી નથી. અાયોજકો ધ્વારા પણ તકેદારી રાખવામાં આવતી નથી તે પણ સામે આવ્યુ હતુ. લગ્ન સ્થળ પર પણ જઇ તંત્ર દ્વારા આ બાબતે ચકાસણી પણ કરવામાં આવી હતી જેમાં 21 યુગલો આવ્યા  ન હતા તદ્દપરાંત એક જોડાના આધાર પૂરાવા રજૂ ન થતા તેમના પણ લગ્ન મોકૂફ રાખવામાં આવ્યા હતા.

બાળલગ્ન કરવા, કરાવવા તેમાં સહયોગ આપવો, આયોજન કરવુ તમામ ગુન્હાહિત પ્રવૃતિ ગણાય છે અને તમામને રૂપિયાનો 1 લાખ દંડ અને 2 વર્ષ જેલની સજાની કાયદામાં જોગવાઇ હોઇ જો લગ્ન યોજ્યા હોત તો કાયદેસર કાર્યવાહી હાથ ધરાઇ શકી હોત પણ લગ્ન યોજવાથી યુગલો દુર રહેતા કોઇ કાર્યવાહી પણ નહી કરવામાં આવે છે.

(4:41 pm IST)