Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વડોદરાના ગોત્રી રોડના બિલ્ડર ઉપર આવકવેરા વિભાગના દરોડા

૨૦ કરોડથી વધુ રકમ બિનહિસાબી વ્યવહારો મળ્યાની શંકા

વડોદરા તા. ૮ : વડોદરાના ગોત્રી રોડ ઉપર એક બિલ્ડર ઉપર આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી કરોડોના બિનહિસાબી વ્યવહારો બહાર આવ્યા છે.

વડોદરાના ઇન્વેસ્ટિગેશન વિંગ દ્વારા મહેન્દ્રભાઈ પટેલ બિલ્ડર્સ પ્રા.લિ.ની ગોત્રી રોડની ઓફિસ, ઇસ્કોન મંદિર રોડ ખાતેના રહેઠાણ અને ગંગોત્રી આઇકોન નામની સાઇટ ખાતે સર્ચ શરૂ કર્યુ હતું. ઇન્કમટેકસ વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે આ બિલ્ડર દ્વારા જમીનના વ્યવહારોમાં કાળાનાણાંનો ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત તેમના રિઅલ એસ્ટેટ પ્રોજેકટ ગંગોત્રી આઇકોન ખાતેના પણ થયેલા વ્યવહારોમાં કાળાનાણાંનો ઉપયોગ થયો હોવાની માહિતી તંત્રને મળી હતી.

જેના પગલે મહેન્દ્રભાઈ પટેલના ઇસ્કોન રોડ ખાતેના અવધેશ નામના નિવાસ સ્થાન તથા ગોત્રી રોડની ઓફિસ તથા ગંગોત્રી આઇકોન નામની સાઇટ ખાતે ઇન્કમટેકસના અધિકારીઓની ટીમ દ્વારા ગઇકાલે આખી રાત તપાસ હાથ ધરવામાં આવી હતી.  અંદાજે ૨૦ કરોડથી વધુ રકમના બીનહિસાબી વ્યવહારો મળ્યાની શંકા વ્યકત કરી છે.

(3:38 pm IST)