Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સરકારે ડેડલાઇન નકકી કરી

૩૧મી પહેલા વાહનોમાં HSRP પ્લેટ ફીટ કરાવી લેજો નહિંતર ફટકારાશે દંડ

અમદાવાદ, તા.૮: દરેક વાહનોમાં ફરજિયાત HSRP નાખવાની ડેડલાઈન વારંવાર લંબાવા છતાંય હજુ સુધી લાખો વાહનચાલકોએ નંબર પ્લેટ બદલાવવાની તસ્દી ન લેતા તંત્ર હવે કડક હાથે કામ લેવા જઈ રહ્યું છે. જુના વાહનોમાં HSRP નખાવા માટે ૩૧મી મેની ડેડલાઈન નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ HSRP  ન  ધરાવતા વાહનચાલકો પાસેથી દંડ વસૂલવામાં આવશે.સત્તાવાર આંકડા અનુસાર, અત્યાર સુધીમાં ૩૮ લાખ જેટલા જૂના વાહનોમાં HSRP લાગી ચૂકી છે. જોકે, હજુ સુધી લાખો વાહનો જૂની નંબર પ્લેટ સાથે જ ફરી રહ્યા હોવાનું પણ સરકારી સૂત્રો જણાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા દોઢ વર્ષથી પણ વધુ સમયથી જૂના વાહનોમાં HSRP લગાવવાની છેલ્લી તારીખ સતત લંબાવવામાં આવી રહી છે. જોકે, હજુ સુધી તેના માટે જોઈએ એવી જાગૃકતા આવી નથી.ફેબ્રુઆરી ૨૦૧૯ સુધીમાં ૩૬.૮૭ લાખ વાહનોમાં HSRP લગાવવમાં આવી હતી. જોકે, માર્ચમાં માત્ર ૬૮ હજાર વાહનોમાં જ નવી નંબર પ્લેટ ફિટ કરાઈ હતી, અને એપ્રિલમાં તો આંકડો ઘટીને ૪૪ હજાર પર આવી ગયો હતો. આમ, કડક નિયમ ન હોવાના કારણે લોકો પોતાના વાહનમાં HSRP લગાવવામાં ઉદાસિનતા દાખવી રહ્યા છે.

HSRP માટે છેક આરટીઓ સુધી ધક્કો ન ખાવો પડે તે માટે કેટલાક ડીલર્સને ત્યાં પણ તેની સુવિધા શરુ કરવામાં આવી છે. જોકે, લોકો ડિલરો વધુ પૈસા લેતા હોવાની ફરિયાદ કરતા રહે છે. લોકોની એવી પણ ફરિયાદ છે કે HSRP માટે ડોકયુમેન્ટ ઓનલાઈન સબમિટ થઈ જાય છે, પરંતુ ફી ભરવા માટે રુબરુ જ જવું પડે છે. તેના કારણે પણ HSRP નખાવવામાં લોકો આળસ કરી રહ્યા છે.

(3:36 pm IST)