Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

પાટણ જીલ્લાના છેવાડાના ગામોમાં પીવાના પાણીની પરિસ્થિતિનો તાગ મેળવતા કલેકટર આનંદ પટેલ

પાટણ, તા. ૮ :. પાટણ જિલ્લો સરહદી જિલ્લા તરીકે ઓળખાય છે જયાં ગયા વર્ષે નહિવત્ વરસાદ થતાં અછતની પરિસ્થિતીનું નિર્માણ થયું છે. રાજય સરકારે પાટણ જિલ્લાના આઠ તાલુકાઓને અસરગ્રસ્ત જાહેર કરેલ છે. અછતગ્રસ્ત વિસ્તારોના ગ્રામજનોને પીવાના પાણી તેમજ પશુઓ માટે પીવાના પાણી અને દ્યાસચારો ઉપલબ્ધ બને તે માટે અનેકવિધ પગલા લીધા છે. જે અંતર્ગત જિલ્લા કલેકટરશ્રી આનંદ પટેલે કાળઝાળ ગરમીની ચિંતા કર્યા વગર ભરબપોરે સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારના છેવાડાના જાખોત્રા, એવાલ જેવા ગામોની મુલાકાત લીધી હતી. ગ્રામજનો સાથે બેઠક યોજી કલેકટરશ્રીએ પીવાના પાણીની પરિસ્થિતીનો તાગ મેળવ્યો હતો તથા ગામના અન્ય પ્રશ્નો પણ સાંભળ્યા હતા. ગ્રામજનો તથા તેમના પશુઓને વધુ પ્રમાણમાં અને સમયસર પાણી ઉપલબ્ધ બને તે પ્રકારનું આયોજન કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. તો ગામના પશુઓ માટે દ્યાસચારો ઉપલબ્ધ બને તે માટે દ્યાસડેપો શરૂ કરવા સુચના આપી હતી. સાથે સાથે કલેકટરશ્રીએ એવાલ ગામે આવેલા બી.એસ.એફ કેમ્પની રૂબરૂ મુલાકાત લઈ બી.એસ.એફના જવાનો સાથે પીવાના પાણીની ઉપલબ્ધતા અંગે ચર્ચા કરી હતી.  સરહદી વિસ્તારના ગામોને પીવાના પાણીની પરિસ્થિતીનો કાયમી ઉકેલ લાવવા તંત્ર દ્વારા ૮૦ કરોડના ખર્ચે ૬૦૦ એમ.એમ. ડાયા.ની ડી.આઈ. પાઈપલાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ કામગીરીનું નિરિક્ષણ કરતાં કલેકટરશ્રીએ રાત-દિવસ કામ કરી ટૂંકા ગાળામાં આ કામગીરી પૂર્ણ કરવા અધિકારીઓને જણાવ્યું હતુ.

આ મુલાકાતમાં રાધનપુર-સાંતલપુરના પ્રાંત અધિકારીશ્રી એસ.ડી.ગીલવા, પાણી પુરવઠા વિભાગના ઈન્ચાર્જ કાર્યપાલક ઈજનેરશ્રી બી.જી. ભાવસાર, નર્મદા નિગમના અધિકારીશ્રીઓ, મામલતદારશ્રી તથા અન્ય અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(2:49 pm IST)