Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

અમદાવાદઃ રમજાન ઇફેકટઃ ખજૂર,ટેટી, તરબૂચ, કેળાના ભાવમાં ૨૫ ટકાનો વધારો

શહેરની છોટી બડી મસ્જિદો સાથે ઐતિહાસિક મસ્જિદો નવા રૂપથી સજાવાઈ છે

અમદાવાદ, તા.૮: મુસ્લિમ બિરાદરોના પવિત્ર રમજાન માસનો આજથી પ્રારંભ થતા શહેરના કોટ વિસ્તારના ખાસ કરીને જમાલપુર, રાયખડ, કાલુપુર, પાંચકુવા, રિલીફ રોડ, ખાનપુર, શાહપુર, દૂધેશ્વર, દરિયાપુર સાથે પૂર્વના રખિયાલ, બાપુનગર, રાજપુર, ગોમતીપુર, દક્ષિણના દાણીલીમડા, શાહઆલમથી ઈસનપુર, વટવા અને નારોલ ગ્યાસપુરથી વટવા અને પશ્યિમના સરખેજ, જુહાપુરાથી વેજલપુરથી મકરબા વાયા ધોળકાના અંતરિયાળ વિસ્તારો કે, જયાં મુસ્લિમ બિરાદરોની વસ્તી ખૂબ મોટા પ્રમાણમાં છે. એ વિસ્તારો ધબકતા થયા છે. જેની બીજી તરફ શહેરની છોટી બડી મસ્જિદો સાથે ઐતિહાસિક મસ્જિદો નવા રૂપથી સજાવાઈ છે. શહેરના જાણીતા એવા માણેકચોક, કાલુપુર અને જમાલપુરના ફ્રૂટ્સ માર્કેટમાં ફ્રૂટ્સ ખરીદી માટે ભીડ શરૂ થઈ છે. એટલું જ નહીં શહેરના તમામ મુસ્લિમ વિસ્તારોમાં ફ્રૂટ, ખજૂર અને સૂકામેવા વેચતી લારીઓ ખડકાતા પવિત્ર તહેવારનો માહોલ સર્જાયો છે.

રમઝાનના કારણે ફ્રૂટ્સના ભાવ આજથી ૨૦થી ૨૫ જેટલા ઊંચકાયેલા જોવા મળ્યા. સામાન્ય રીતે ઈફતારી વેળા ખજૂર, તરબુચ અને ટેટીનો મહત્ત્।મ ઉપયોગ થાય છે. એ ખજૂર રૂ.૨૫૦થી ૩૦૦ રૂ. કિલો વેચાતી હતી જેનો ભાવ આજે રૂ.૩૫૦થી ૪૦૦ બોલાતો હતો. તો દુબઈ અને ઈરાનની ખજૂરનો કિલોનો ભાવ રૂ.૬૦૦થી ૬૫૦ જેટલો હતો. તરબૂચ ૧૫ રૂપિયે કિલોના બદલે ૨૦થી ૨૫ રૂપિયે અને ટેટી રૂ.૩૦ના બદલે રૂ.૪૦થી ૪૫ના કિલોના ભાવે વેચાતી હતી. કેળા ૨૦ રૂ.ના ૪ને બદલે ૩૦ રૂ.ના ૪ના ભાવે વેચતા હતાં. સરફજનનો કિલોનો ભાવ રૂ.૨૦૦ના બદલે રૂ.૨૫૦થી ૩૦૦ થઈ જતા સફરજનની ખરીદી પ્રમાણમાં ઓછી જોવા મળી. દ્રાક્ષ કિલોના રૂ.૭૦થી ૮૦ના બદલે રૂ.૧૦૦ સુધી પહોંચ્યો છે. પપૈયું રૂ.૩૦ના કિલોના બદલે ૪૫થી ૫૦ના ભાવ પર પહોંચ્યું છે. તો ચીકુનો ૨૫૦ કિલો ગ્રામનો ભાવ રૂ.૧૫થી વધીને રૂ.૨૫ થયો છે. ઠંડી મીઠી તાલફળી પણ રમઝાનની ઈફતારીમાં ઉપયોગમાં લેવાતી રહી છે. જેનો ૧૦૦ ગ્રામનો રૂ.૬૦થી ૭૦ શરૂ થયો છે અને તે હજી વધતો રહેશે.

(11:43 am IST)