Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

વડોદરામાં પાણી શુદ્ધ કરવા લાખોનો ધુમાડો કરનાર મનપા હવે ફટકડીનો ઉપયોગ કરશે

-પાણીના શુદ્ધિકરણ કરવા 80 લાખના કેમિકલનો વપરાશ છતાં નિષફળતા !!

વડોદરા :મહાનગર પાલિકા દ્વારા વર્ષોથી પાણીને સાફ કરવા માટે કેમિકલ પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવતો હતો. હવે તંત્રએ ફટકડીથી પાણી શુદ્ધ કરવાનો નિર્ણય લીધો છે. 80 લાખ રૂપિયાના કેમિકલથી પાણી શુદ્ધિકરણ કરવામાં મળેલી નિષ્ફળતા બાદ હવે તંત્ર ફરીથી પાણી શુદ્ધ કરવા માટે ફટકડીનો ઉપયોગ કરશે.

  એક અહેવાલ મુજબ વડોદરા મહાનગર પાલિકા દ્વારા પાણીને શુદ્ધ કરવા માટે કેમિકલથી પાણી શુદ્ધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. વડોદરા મહાનગર પાલિકાએ પાણીને શુદ્ધ કરવા માટે 80 લાખ રૂપિયાનું કેમિકલ ખર્ચી નાંખ્યું, પરંતુ કોઈ પરિણામ ન આવ્યું, પાણી શુદ્ધ થયુ નહીં અને લોકોને હેરાન થવાનો વારો આવ્યો છે.

  લાખો રૂપિયાના કેમિકલનો ઉપયોગ કર્યા પછી છેવટે પાણી શુદ્ધ કરવા માટે કેમિકલની જગ્યા પર ફટકડીનો ઉપયોગ કરવાનો નિર્ણય પાલિકા દ્વારા લેવામાં આવ્યો છે. જેના કારણે હવે વડોદરા મહાનગર પાલિકાના તમામ પાણી શુદ્ધિકરણ પ્લાન્ટમાં પાણી ફટકડીથી શુદ્ધ કરવામાં આવશે.

   અત્રે ઉલ્લેખનીય છે કે, 2009ની અંદર જ્યારે વડોદરામાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવામાં આવ્યો હતો, ત્યારે એક પ્રયોગ કરવામાં આવ્યો હતો કે, પાણીને શુદ્ધ કરવા માટે કેમિકલ વધારે અસરકારક છે કે, પછી ફટકડી વધારે અસરકારક છે. ત્યારે પણ ફટકડી પાણીને શુદ્ધ કરવામાં કેમિકલ કરતા વધારે અસરકારક હોવાનું બહાર આવ્યું હતું. છતાં પણ પાણીને કેમિકલથી સાફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે અત્યારે વિજિલન્સની તપાસમાં બહાર આવ્યું છે કે, પાણીની જે 22ની ટર્બિડિટી હતી, તે ટર્બિડિટીને દૂર કરવા માટે જે કેમિકલનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે કેમિકલમાં પાણીને શુદ્ધ કરવાની ક્ષમતા જ ન હતી. એટલે ક્યાંકને ક્યાંક સમગ્ર મામલે કૌભાંડની પણ આશંકા સેવાઈ રહી છે.

(10:22 pm IST)