Gujarati News

Gujarati News

News of Wednesday, 8th May 2019

સુરતમાં બિલ્ડીંગ નમી જતા લોકોને બહાર કઢાયાઃ એક વ્‍યકિતના કરોડોના હીરા-રોકડ દટાતા રેસ્ક્યુ ઓપરેશન

સુરત :સુરતના પાર્લે પોઈન્ટ વિસ્તારની એક બિલ્ડીંગ આજે નમી પડતાં લોકોને બહાર કઢાયા હતાં. પરંતુ આ રેસ્ક્યુ ઓપરેશનમાં રોમાંચક કિસ્સો સામે આવ્યો હતો. આ બિલ્ડીંગના એક રહીશના કરોડો રૂપિયાના હીરા અને રોકડ પણ કાટમાળમાં દટાયાં હતાં. જેને પણ બહાર કાઢવામાં એક ખાસ રેસ્ક્યુ મિશન હાથ ધરાયું હતું. 

આજે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં ચાર માળનું વિશાલ દર્શન નામનુ એક એપાર્ટમેન્ટ નમી પડ્યું હતું. બિલ્ડીંગ નમી પડતા જ રહીશોનો જીવ જોખમમાં મૂકાયો હતો. આ ઘટનાને પગલે તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરાઈ હતી. જેથી ફાયર ટીમ અને પોલીસે જોખમને પગલે આખી બિલ્ડીંગ ખાલી કરાવી હતી. રહીશોના રેસ્ક્યૂ માટે મોટો કાફલો અહી ખડકી દેવાયો હતો. જોકે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. પણ બહાર હેમખેમ આવ્યા બાદ પણ એક રહીશનો જીવ તાળવે ચોંટ્યો હતો. કારણ હતું તેમના ઘરમાં મૂકાયેલ માતબર રકમ અને કરોડના ડાયમંડ. પોતે તો સલામત બહાર નીકળી ગયા, પણ પોતાના કરોડો રૂપિયા અંદર ફસાયા હોવાનું જાણ થતાં જ આ વ્યક્તિનો જીવ તાળવે ચોંટી ગયો હતો. તેથી આ વ્યક્તિએ જીવના જોખમે ક્રેનની મદદથી બિલ્ડીંગમાં પ્રવેશ કર્યો હતો અને અઢી કરોડ રૂપિયાના ડાયમંડ ભરેલું પોટલુ તથા એક કરોડ રોકડાનું પોટલું બહાર કાઢી રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, મનપાએ આ બિલ્ડિંગને રિપેરીંગ માટેની નોટિસ આપી હતી. નોટિસ બાદ ઈમારતનું સમારકામ પણ કરવામાં આવ્યાની વાત રહીશોએ કરી છે. ત્યારે ગઈ કાલે રાત્રે શંકા જતા ઈમારત ખાલી પણ કર્યાની વાત રહીશોએ કરી છે. ઘટના સ્થળે ફાયર ટીમ જર્જરીત ઈમારતને ખાલી કરવાની કામગીરી કરી રહી છે ત્યારે સવાલ ઉભા થયા કે ગુજરાતમાં આવી કેટલી જર્જરિત ઈમારતો હશે અને શું ચોમાસા પહેલા જર્જરીત ઈમારતોને ખાલી કરાવવામાં આવશે કે કેમ?

(5:10 pm IST)