Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

વડોદરાના આજવા રોડ પર રેશનિંગની દુકાનનું લાયસન્સ જપ્ત

વડોદરા:દુમાડ ચોકડી પાસેથી સરકારી અનાજ ભરેલો ટેમ્પો ઝડપાયા બાદ આજવા રોડ વિસ્તારમાં આવેલી રેશનીંગ દુકાનનો પરવાનો જિલ્લા પુરવઠા અધિકારીએ ૯૦ દિવસ માટે મોકુફ કરી દીધો હતો જો કે રેશનીંગ દુકાનમાંથી અનાજ વગે કરાવનારા મોટા માથાઓ સામે કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી.
ઉલ્લેખનીય છે કે એક મહિના પહેલા દુમાડ ચોકડી પાસેથી સરકારી અનાજનો જથ્થો ભરેલો એક ટેમ્પો ઝડપાયો હતો. સમા પોલીસે  ટેમ્પા ચાલકનું નિવેદન લેતા અનાજનો જથ્થો આજવારોડ પરની દુકાનમાંથી ભરાવ્યો હોવાની કબુલાત કરી હતી. બાદમાં પુરવઠાખાતા દ્વારા દુકાનની તપાસણી કરવામાં આવતા આ દુકાનનું લાયસન્સ કૃપલ ગોપાલ જયસ્વાલના નામનું છે તેમજ વર્ષ-૨૦૦૯માં લાયસન્સ ઇસ્યુ થયા બાદ ડિસેમ્બર-૨૦૧૯માં પુરુ થવાનું છે તેમ જાણવા મળ્યુ હતું. મહત્વની બાબત એ છે કે કૃપલબેનના નામે લાયસન્સ હોવા છતા તેમના બનેવી હિમાંશુભાઇ દુકાનનું સંચાલન કરતા હતા તેમજ તપાસ દરમિયાન ઘઉના જથ્થામાં ૨૦૭.૫ કિલોગ્રામ, ચોખામાં ૮૨કિ.ગ્રા. અને કેરોસીનમાં ૬૦ લીટરની ઘટ જણાઇ હતી જેથી અનેક પ્રકારની ગેરરીતિઓ જણાતા આખરે ડીએસઓએ દુકાનનું લાયસન્સ મોકુફ કરી દીધુ હતું.
ઉલ્લેખનીય છે કે રેશનીંગ દુકાનમાંથી અનાજ વગે કરવા માટે કેટલાક મોટા માથાઓના નામો બહાર આવ્યા હતા જો કે પુરવઠાખાતા દ્વારા તેની કોઇ તપાસ હાથ ધરાઇ નથી. એટલુંજ નહી પરંતુ પોલીસે પણ પુરવઠા અંગેનો અભિપ્રાય માંગ્યો તો પણ હજી સુધી સ્પષ્ટ અભિપ્રાય ઇન્સ્પેક્ટર આપી શક્યા નથી. રેશનીંગ દુકાનોમાંથી અનાજ વગે કરનારાઓને બચાવવામાં ઇન્સ્પેક્ટરોને વધારે રસ હોય તેવી કાર્યવાહી થતી હોવાના પણ આક્ષેપો થયા હતાં.

(5:38 pm IST)