Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

સ્વામી રામદેવજીની નિશ્રામાં વિશ્વ યોગ દિન નિમિતે ગુજરાતમાં શિબિર

સરદાર પટેલ સ્ટેડિયમમાં ૪૦,૦૦૦ થી વધુ યોગપ્રેમીઓ જોડાશે

અમદાવાદ તા.૮: તા. ૨૧મી જુન ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ-દિન-વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવશે. રાજયભરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. અમદાવાદમાં યોગગુરૂ સ્વામી રામદેવજીની નિશ્રામાં આ નિમિતે તા. ૧૬મી જુનથી યોગ શિબિરનો પ્રારંભ થશે. જેમાં ૪૦,૦૦૦ થી વધુ યોગપ્રેમીઓ ભાગ લેશે.

આ અંગે વિગતો આપતા પતંજલિ યોગ સમિતિના ગુજરાત પ્રાંત અધ્યક્ષ શિશપાલજીએ જણાવ્યું કે, વિશ્વ યોગ દિનની ઉજવણીના ભાગરૂપે ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતભરમાં જાગૃતિ માટેનું આયોજન તો થઇ રહ્યું છે, પરંતુ તા. ૧૬મી જુનથી છ દિવસ સુધી એટલેકે તા. ૨૧ મી જુન વિશ્વ યોગ દિન સુધી અમદાવાદના સરદાર પટેલ સ્ટેડીયમ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. આ યોગ શિબિરનો પ્રારંભ જ યોગગુરુ સ્વામી રામદેવજીના હસ્તે થશે.

તેમણે જણાવ્યું કે, વિશ્વભરમાં યોગ દિવસ નિમિતે વિવિધ આયોજન થાય છે અને ભારત દ્વારા શરૂ થયેલો આ દિન વિશ્વભરનાં દેશોમાં ઉજવાયો છે ત્યારે ગુજરાતમાં પણ લોકો હોંશભેર યોગ કરતા થયા છે. આ એક એવી વૈકલ્પિક ચિકિત્સા પધ્ધતિ છે, જેના નિયમિત અભ્યાસ થકી સ્વસ્થ વ્યકિત કાયમ તંદુરસ્ત રહે છે અને રોગગ્રસ્ત હોય છે, તે રોગમુકત બનવા તરફ આગળ વધે છે. ગુજરાતમાં યોગપ્રેમીઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે. ખાસ કરીને યોગ, પ્રાણાયામ અને ધ્યાનમાં મહિલાઓ અને બાળકો પણ જોડાઇ રહ્યા છે. એ મહત્વની બાબત છે. યુવાવર્ગ પણ સમય ફાળવીને વહેલા ઊઠીને યોગ શિબિરમાં આવી રહ્યો છે. યોગના માધ્યમથી લોકો તણાવમુકત પણ બની રહ્યા છે, એ સૌથી વિશેષ બાબત છે.

(10:37 am IST)