Gujarati News

Gujarati News

News of Tuesday, 8th May 2018

રમઝાન નિમિતે ઇરાન જેલમાં સબડતા કચ્‍છના ખલાસી સહિત ૬૦૦ કેદીઓને છોડી મુકવા ઇરાન સરકારનો નિર્ણય

 

ભુજઃ ગુજરાતના માંડવી, કચ્છ જિલ્લાના ખલાસી ઉમર સલેહ મોહમ્મદ થૈમ(47) જે 2014થી ઈરાનની મિનાબ જેલમાં છે તેની રમઝાનના 26મા દિવસે મુક્તિ થાય તેવી શક્યતા છે. રમઝાન નિમિત્તે ઇરાનની સરકાર તેની જેલમાંથી 600 જેટલા કેદીઓને છોડી મુકશે. જેમાં ઉમર સલેહનો પણ સમાવેશ થાય છે. તેને છોડાવવા માટેની પ્રોસેસ પાસપોર્ટમાં પિતાનું નામ અને અન્ય ડોક્યુમેન્ટમાં પિતાનું નામ મિસમેચ થતું હોવાના કારણે ઘણા લાંબા સમયથી અટકી પડી હતી.

 

2014માં ઉમર સલેહની તેના જહાજ સફીના અલ શેના સાથે 11 જેટલા બીજા ક્રુ મેમ્બર સહિત ઇરાનિયસ સીમામાંથી ઇરાની કોસ્ટગાર્ડે ધરપકડ કરી હતી. થૈમના પરિવારે અને ખલાસી એસોસિએશને અનેકવાર વિદેશ વિભાગમાં તેની મુક્તિ માટે અપીલ કરી હતી. જોકે થૈમના પાસપોર્ટ અને અન્ય ડૉક્યુમેન્ટ્સમાં પિતાના નામમાં ફરક આવતો હોવાના કારણે તેની મુક્તી નહીં શક્ય બને તેવું લાગતું હતું.

કચ્છ વહાણવટા એસોસિએશનના પૂર્વ પ્રમુખ કાસમ જાફરાબાદીએ કહ્યું કે, ‘હાલ થૈમની મુક્તિ માટે તેનો ભાઈ ઇબ્રાહિમ ઈરન ખાતે છે જ્યાં તેને ભારતીય દૂતાવાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે થૈમની અન્ય 600 કેદીઓ સાથે મુક્તિ થઈ શકે છે.

તેમણે વધુમાં કહ્યું કે, ‘ભારતીય વિદેશ વિભાગ દ્વારા અમને જણાવવામા આવ્યું છે કે ઇરાનિયન સરકાર સાથે દરેક સ્તરે આ માટે વાત કરવામાં આવી રહી છે અને શક્ય તેટલા જલ્દી થૈમને મુક્ત કરવા માટે વાટાઘોટો ચાલી રહી છે.

(6:02 pm IST)