Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણ વધતા તંત્ર એલર્ટ : હવે દર રવિવારે સ્વૈચ્છીક લોકડાઉન રાખવા અપીલ

રવિવારે વેપાર ધંધા, હોટલ, રેસ્‍ટોરન્‍ટ, પાનના ગલ્લા, ટી-સ્‍ટોલ વગેરેના સંચાલકોએ બંધમાં સંપૂર્ણ સહયોગ આપવા અપીલ

વલસાડ : વલસાડ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ વધતા હવે વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે અને કોરોનાને કાબુમાં લેવા હવે રવિવારે સ્વૈચ્છિક લોકડાઉન રાખવા અપીલ કરવામાં આવી છે. સમગ્ર જિલ્લામાં બજારો બિલકુલ બંધ રાખવા આદેશ કરવામાં આવ્‍યો છે. જેથી રવિવારે કોઇપણ વેપાર ધંધા, હોટલ, રેસ્‍ટોરન્‍ટ, પાનના ગલ્લા, ટી-સ્‍ટોલ વગેરેના સંચાલકોએ આ બંધમાં સંપૂર્ણ સહયોગ આપવા જિલ્લા કલેકટર આર.આર.રાવલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

તદ્દ ઉપરાંત હોમ આઈસોલેશનમાં રહેલા વ્યકિતઓ નિયમોનો ભંગ કરી બહાર ફરતા જણાશે તો ફોજદારી કાર્યવાહી કરવા આદેશ કરાયો છે.
વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોના સંક્રમણને રોકવા પગલાં ભરવા માટે ચર્ચા માટે જિલ્લા કલેકટર આર.આર.રાવલે જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જેમાં આ નિર્ણય લેવાયો છે.
આ બેઠકમાં નક્કી થયા મુજબ દરેક તાલુકામાં નાયબ કલેકટર કક્ષાના અધિકારીઓને જવાબદારીઓ સોંપવામાં આવી છે. શહેરી વિસ્‍તારોમાં વોર્ડવાર ટીમોમાં હેલ્‍થ, નગરપાલિકા, મહેસુલ/ પંચાયતના કર્મચારીઓ ટીમ બનાવી દરેક વોર્ડમાં હોમ આઇસોલેશન એવા દર્દીઓની તપાસ કરશે, દર્દીઓ હોમ આઇસોલેશનના નિયમોનું પાલન કરે છે કે નહીં તેની પણ ચકાસણી કરશે. જો દર્દી હોમ આઇસોલેશનમાં પોતાના ઘરે માલુમ નહીં પડે તો તેની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે.

(10:37 pm IST)