Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

સુરતમાં કોરોના કેસની સમીક્ષા માટે દિલ્‍હીથી એઇમ્‍સના અધિકારીઓ દોડી આવ્‍યાઃ સ્‍થિતિ હજુ ગંભીર બનવાની ચિંતા વ્‍યક્‍ત કરતા કલેકટર ડો. ધવલ પટેલ

સુરત: ગુજરાતમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતમાં સ્થિતિ દિન-પ્રતિદિન કથળતી જાય છે. જેના પગલે સુરતમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે દિલ્હીથી એઈમ્સના અધિકારીઓ સુરત પહોંચ્યા છે.

છેલ્લા કેટલાક દિવસોથી સુરતમાં કોરોનાના નવા કેસો રેકોર્ડ તોડી રહ્યા છે. એક્ટિવ કેસોની સંખ્યા પણ વધી રહી છે. સુરતની હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સુરતની સ્થિતિને જોતા કેન્દ્ર અને રાજ્ય સરકાર ચિંતિત છે, ત્યારે આજે સ્થિતિનો તાગ મેળવવા માટે દિલ્હી એઈમ્સની ટીમ આજે સુરત પહોંચી છે. સુરત મહાનગર પાલિકાના સ્મૈક સેન્ટરમાં મ્યુનિસિપલ કમિશનર, શહેરના કલેક્ટર સહિતના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. જ્યાં કોરોના ટેસ્ટિંગ, ટ્રેકિંગ અને ટ્રીટમેન્ટની માહિતી મેળવી હતી. આ ઉપરાંત તેમણે કન્ટેનમેન્ટ ઝોન સહિતના મુદ્દા પર માહિતી એકત્ર કરી હતી.

આ બેઠકના અંતે સુરતના કલેક્ટર ડૉ ધવલ પટેલે જણાવ્યું કે, સુરતમાં સ્થિતિ હજુ પણ ગંભીર બની શકે છે. જે ઝડપે કેસ વધી રહ્યાં છે, તે ચિંતાનો વિષય છે. શહેરમાં ઑક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓની સંખ્યા વધી છે. સુરત કલેક્ટરે લોકોને જરૂરિયાત ના હોય તો ઘરેથી બહાર ના નીકળવાની અપીલ કરી છે.

ઈન્જેક્શન મુદ્દે કલેક્ટરે જણાવ્યું કે, દર્દીઓના સગાઓએ ઈન્જેક્શન લેવા જવાની જરૂર નથી. હોસ્પિટલ દ્વારા ઈન્જેક્શનની માંગણી કરવામાં આવશે. જો કોઈ હોસ્પિટલ દર્દીના સગાને ઈન્જેક્શન લેવા માટે મોકલશે તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.

જણાવી દઈએ કે, છેલ્લા એક મહિનાથી શહેરમાં સંક્રમિતોનો આંકડો સતત વધી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં સુરત જિલ્લામાં 819 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાં સુરત શહેરી વિસ્તારમાં 621 અને ગ્રામ્ય વિસ્તારમાં 198 કેસ સામે આવ્યા છે. જ્યારે સુરત જિલ્લામાં વધુ 10 લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે.

(5:14 pm IST)