Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

ઓ બાપ રે... કોરોનાનું બિહામણુ સ્વરૂપ બહાર આવ્યુઃ રેપીડ એન્ટીજન અને RT-PCR ટેસ્ટ નેગેટીવ છતાં દર્દી પોઝીટીવ : ડોકટરો ચિંતાતુર

વડોદરા તા. ૮: કોરોના રોજેરોજ તેનું સ્વરૂપ બદલી રહ્યુ છે. હવે તેવા કેસ બહાર આવ્યા છે જેનાથી ડોકટરો પણ ચિંતામાં મુકાઇ ગયા છે. અહીં અનેક એવા કેસ પણ આવ્યા છે કે જેમાં દર્દીના રેપીડ એન્ટીજન ટેસ્ટ અને પછી આરટી-પીસીઆર કે જે ટેસ્ટીંગ માટે શ્રેષ્ઠ ગણાય છે તે નેગેટીવ આવ્યા હોય પરંતુ દર્દી કોરોના પોઝીટીવ હોય. ડોકટરોના કહેવા મુજબ આવા અનેક દર્દીઓ સામે આવી રહ્યા છે જેમના બંને ટેસ્ટ નેગેટીવ હોય પરંતુ તેઓને ફેફસામાં જોરદાર સંક્રમણ હોય. એવા અનેક કેસો અહીં આવ્યા છે જેમાં સીટી સ્કેનમાં લંગ ઇન્ફેકશન જણાતુ હોય. સેતુના પ્રમુખ ડો. કે. શાહના જણાવ્યા પ્રમાણે મારી પાસે આવા અનેક દર્દીઓ આવ્યા છે જેઓના બધા ટેસ્ટ નેગેટીવ હોય પરંતુ સીટી સ્કેનમાં તેમને લંગ ઇન્ફેકશન જણાયુ હોય. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને વિમા કંપનીઓ અને થર્ડ પાર્ટી વાળાઓને જણાવ્યું છે કે આવા કેસને કોવિડ ગણે. ડોકટરો હવે દર્દીઓને આરટી-પીસીઆર અને સીટી સ્કેન બંને કરાવવા જણાવી રહ્યા છે. ડોકટરના કહેવા મુજબ બંને ટેસ્ટ નેગેટીવ હોય પરંતુ રેડિયોલોજીકલ ટેસ્ટમાં હોસ્પિટલમાં દાખલ થવાનું જરૂરી જણાતુ હોય. એક દર્દીના સીટી સ્કેનમાં તેનો સ્કોર ૨૫ માંથી ૧૦ જણાયો હતો. આનો અર્થ એ છે કે તેના ફેફસા સંક્રમીત થયા છે. બીજા એક ડો. હિતેન કારેલીયા કહે છે કે, અમે આરટી-પીસીઆર ઉપરાંત એચઆર સીટી ચેસ્ટનું પરીક્ષણ કરાવવા જણાવી રહ્યા છીએ. તેઓ કહે છે કે એવા અનેક કેસ સામે આવ્યા જેમાં દર્દીને કોઇ લક્ષણ ન હોય અને માત્ર સામાન્ય તાવ અને નબળાઇ હોય. પરંતુ તેના ફેફસામાં ઝડપથી સંક્રમણ ફેલાતુ હોય.

(4:19 pm IST)