Gujarati News

Gujarati News

News of Thursday, 8th April 2021

મગફળી, મગ, અડદ, તલ, ડાંગરનું ૧૦૦ ટકાથી વધુ વાવેતર

ચોમાસુ પાક અને શિયાળુ પાકની જેમ ઉનાળુ પાક પણ મબલખ આવવાની આશા

રાજકોટ,તા. ૮: ગયા વર્ષે મેઘરાજાની મહેરબાનીથી ખરીફ પાક અને રવિ પાક પુષ્કળ પ્રમાણમાં થયો છે. બન્નેની સરખામણીએ ઉનાળુ પાક ઓછો છતાં સારા પ્રમાણમાં થયો છે. મગફળી, મગ, અડદ, તલ, ડાંગર વગેરે પાકોનું ૧૦૦ ટકાથી વધુ વાવેતર થયુ છે. ૫ એપ્રિલની સ્થિતીએ ઉનાળુ  પાકનું કુલ વાવેતર ૧૧૭ ટકા થયું છે. નોર્મલ વાવેતર વિસ્તારના આધારે વાવતેરની ટકાવારી નક્કી કરવામાં આવે છે. ઉનાળુ પાક એકાદ મહિના પછી બજારમાં આવશે.

રાજ્યમાં ચાલુ વર્ષે ૭૧,૫૨૬ હેકટરમાં ડાંગરનું વાવેતર (૧૫૩.૩૪ ટકા) થયું છે. બાજરી ૯૭.૭૭ ટકા અને મકાઇ ૭૪.૦૯ ટકામાં વાવવામાં આવી છે. મગનું વાવેતર ૧૬૮ અને અડદનું વાવતેર ૧૮૪ ટકા થયુ છે. કુલ કઠોળની વાવણી ૧૭૧.૫૩ ટકામાં થઇ છે.

ઉનાળુ મગફળી ૫૬,૬૭૬ હેકટરમાં વાવવામાં આવી છે. તે ૧૨૧ ટકા જેટલી થાય છે. તલ ૨૯૩.૭૫ ટકામાં વાવવામાં આવ્યા છે. ડુંગળી ૧૧૨.૪૬ ટકા વાવેતર પામી છે. ૧૦૫.૨૯ ટકા વાવેતર ઘાસચારાનું થયું છે. ૮૫,૧૧૪ હેકટરમાં શાકભાજી વાવવામાં આવ્યા છે. તે ૧૦૬.૫૧ ટકા થાય છે. તમામ વાવેતરનો વિસ્તાર ૯,૩૮,૧૦૨ હેકટર થાય છે.

કયા પાકનું કેટલુ વાવેતર  ?

ડાંગર

૧૫૩.૩૪

મગ

૧૬૮.૦૭

મગફળી

૧૨૧.૦૦

ડુંગળી

૧૧૨.૪૬

અડદ

૧૮૪.૦૦

તલ

૨૯૩.૭૫

બાજરી

૦૯૭.૭૭

શેરડી

૦૯૫.૬૪

(10:55 am IST)