Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

અમદાવાદ : કોટ વિસ્તારમાં થર્મલ સ્ક્રિનિંગ ફરજિયાત છે

અમદાવાદમાં કોરોના પોઝિટિવ કેસ પર બ્રેક : કોટ વિસ્તારમાં દસથી વધુ ચેક પોસ્ટ પર હવે ૧૨ હજારથી વધુ લોકોની તપાસ : મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા નિરીક્ષણ

અમદાવાદ,તા.૮ : અમદાવાદમાં ગઇકાલે એકસાથે ૨૦ પોઝિટેવ કેસ નોંધાયા હતા. જો કે આજે એકપણ કોરોના પોઝિટિવ સામે નહી આવતાં અમદાવાદ અને જિલ્લા તંત્રની સાથે સાથે નગરજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જો કે, અત્યાર સુધી અમદાવાદમાં ૮૩ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જે રાજયમાં સૌથી વધુ છે. અમદાવાદમાં કોરોનાના કારણે પાંચ લોકોના મોત નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાની ગંભીર બનેલી પરિસ્થિતિ ખાસ કરીને કોટ વિસ્તારમાં કોરોનાનો કહેર વધુ બેકાબૂ બને નહી તે માટે કોટ વિસ્તારમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી છે. એટલું જ નહી, કોટ વિસ્તારમાં દસથી વધુ ચેકપોસ્ટ ઉભી કરી ફરજિયાત થર્મલ સ્ક્રીનીંગ ફરજિયાત બનાવાયું છે. જેમાં ૧૨ હજારથી વધુ લોકોની મેડિકલ તપાસ કરાઇ હતી. બીજીાજુ, શહેરની ડો. જીવરાજ મહેતા હોસ્પિટલનો સ્ટાફ ૬૦ વર્ષીય દર્દીના સંપર્કમાં આવતા હોસ્પિટલના ૧૦૦થી વધુ સ્ટાફને ક્વોરન્ટીન કરાતાં ભારે ચકચાર મચી ગઇ હતી.

               કોરોનાના વધતા કહેરને અટકાવવા અને નિયંત્રિત કરવા અમદાવાદ શહેરના કોટ વિસ્તારના ૯ દરવાજા પર ઊભી કરાયેલી દસથી વધુ ચેકપોસ્ટ પર ૧૨ હજારથી વધુ લોકોની તપાસ કરાઈ હતી.  જેમાં ૧૦ થી વધુ લોકોમાં શંકાસ્પદ જણાતા બ્લડ સેમ્પલ ટેસ્ટ માટે મોકલાયા હતા. જ્યારે મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા અને પોલીસ કમિશનર આશિષ ભાટિયા રાઉન્ડમાં નીકળી સ્થિતિની તપાસ કરી હતી અને જાત નીરીક્ષણ કર્યું હતું. તો, શહેરના કોટ વિસ્તારના રોડ રસ્તાઓ આજે સેનિટાઇઝ અને સ્વચ્છ કરવામાં આવ્યા હતા. અમદાવાદમાં બોડકદેવના દેવરાજ અને દેવપ્રીતના ૭૦ ફ્લેટ, મક્તમપુરા અને જશોદાનગર, દાણીલીમડા, કાલુપુર, દરિયાપુર, શાહઆલમ સહિતના ૧૧ ક્લસ્ટર ક્વોરન્ટીન કરાયા છે.

                રાજયમાં કોરોના વાઇરસના સૌથી વધુ કેસો અમદાવાદ શહેરમાં નોંધાયા છે. જેમાં કોટ વિસ્તારમાં કેસોનું પ્રમાણ વધતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોટ વિસ્તારને બફર ઝોન જાહેર કરી કોર્ડન કરવામાં આવ્યો છે. આજથી નેહરુબ્રિજ પર વાહનની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો હતો. કોટ વિસ્તારમાં પ્રવેશવાના તમામ રસ્તા પર કોરોના ચેકપોસ્ટ ઉભી કરી દેવાઈ છે. આજે સવારથી જ કોટ વિસ્તારમાં જે લોકો પ્રવેશ અથવા તો બહાર નીકળે છે તેમને રોકી ફરજિયાતપણે થર્મલ ગન દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એલિસબ્રિજનો કોટ વિસ્તારથી આશ્રમ રોડ જવાનો એક તરફનો રસ્તો બંધ કરી દેવાયો છે. મોડી રાતથી જ કોટ વિસ્તારમાં આવતા તમામ ૯ દરવાજા પર ચેક પોસ્ટ ઉભી કરી દેવાઈ અને આજ સવારથી તમામ લોકોનું ચેકિંગ શરૂ કરી દેવાયું છે.

(9:44 pm IST)