Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

રાજપીપળા નગર પાલિકાના સફાઈ સૈનિકોનું સન્માન : સફાઈકીટ અને ફુલહાર આપી સન્માન કરાયું

પાલીકા,પ્રમુખ,કારોબારી ચેરમેન સહિત સદસ્યો તેમજ ગામના આગેવાનો એ પોત પોતાના વોર્ડમાં ફુલહાર,સફાઈ કીટ આપી સન્માન કર્યું

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી વચ્ચે ખડે પગે સેવા બજાવતા ડોક્ટર, નર્સ,પોલીસ સહિત ખાસ શહેરને સ્વચ્છ રાખનારા સફાઈ સૈનિકોની કામગીરી આવા કપરા સમયે જીવના જોખમે પણ ખૂબ સારી હોય ત્યારે કોરોના વાયરસ જેવી મહામારી વચ્ચે પણ દરેકનું આંગણું સ્વચ્છ રાખતા સફાઈ કામદારો સન્માનને પાત્ર જરૂર છે તેથી રાજપીપળા શહેરને સ્વચ્છ રાખતા નગર પાલિકાના સફાઈ કામદારોનું પાલીકા પ્રમુખ જીગીષાબેન ભટ્ટ,કારોબારી ચેરમેન અલકેશસિંહ ગોહિલ, માજી પ્રમુખ ભરતભાઇ વસાવા,પાલીકા સદસ્યોમાં ભારતીબેન વસાવા, કાજલબેન કાછીયા સાથે વોર્ડના આગેવાનોએ પોત પોતાના વોર્ડમાં ફરજ બજાવતા સફાઈ સૈનિકોનું જાહેરમાં સોસીયલ ડિસ્ટન્સના પાલન સાથે સન્માન કર્યું હતું.આ કર્મચારીઓને ફુલહાર પહેરાવી સફાઈ કીટ આપી તેમની આવી મહામારીના સંકટ સમયની કામગીરી ને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.આ સન્માન સમયે પાલીકાના ચીફ ઓફિસર જયેશ પટેલે હાજરી આપી હતી અને તેમના સફાઈ સૈનિકોની યોગ્ય કામગીરી બદલ કરાયેલા સન્માનને બિરદાવ્યું હતું.

(6:24 pm IST)