Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

સુરતમાં ૧૯ પોઝીટીવ કેસ બાદ બેગમપુરા, હાથી ફળીયુ અને આસપાસના વિસ્‍તારોને માસ ક્વોરેન્ટાઇન કરાયા

સુરતઃ સુરત શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના અત્યાર સુધી કુલ 19 કેસ સામે આવી ચુક્યા છે. ગઈકાલે જ ત્રણ નવા કેસ નોંધાયા હતા. આ કેસ નોંધાયા બાદ વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. હાલ સહેરના બેગમપુરા વિસ્તારને માસ ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યો છે. અહીં આશરે 1200 જેટલા ઘરોમાં 5200 જેટલા લોકો રહે છે. હાથી ફળિયું અને તેની આસપાસના વિસ્તારની સોસાયટીને ક્વોરેન્ટાઇન કરી દેવામાં આવી છે. આ માટે પોલીસ અને મનપાની ટીમને બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવી છે.

કોમ્યુનિટી ટ્રાન્સમિશન અટકાવવા માટે ભર્યા પગલાં

રાજ્યમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસોને લઈને અનેક શહેરોના ઘણા વિસ્તારોને હોટસ્પોટ પણ જાહેર કરવામાં આવ્યા છે. બેગમપુરામાં ગઈકાલે એક વૃદ્ધાનો કોરોના વાયરસનો કેસ પોઝિટિવ આવ્યો હતો. ત્યારબાદ તંત્રએ સમગ્ર વિસ્તારને ક્વોરેન્ટાઇન કરવાનો નિર્ણય લીધો છે.

શહેરમાં સોમવારે આવ્યા હતા ત્રણ નવા કેસ

શહેરના ન્યુ રાંદેર રોડની અલઅમીન રેસિડેન્સીમાં રહેતા આધેડ અને ન્યુ રાંદેર રોડ પર અલ્વી રો હાઉસ ખાતે રહેલા મહિલા તેમજ બેગમપુરામાં એક વૃદ્ધાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે સુરત જિલ્લામાં કુલ સંક્રમિતોની સંખ્યા 19 પર પહોંચી ગઈ છે.

(4:19 pm IST)