Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

યુકેથી આવેલા વ્‍યક્તિને કોરોના પોઝીટીવ આવતા વડોદરાની હોસ્‍પિટલમાં સારવાર બાદ રજા અપાઇઃ તબીબોની કામગીરી બિરદાવાઇ

વડોદરા: UK થી આવેલા મુળ નડિયાદનાં અને વડોદરાનાં આંકોડિયા ખાતે રહેતા નિખિલ પટેલને કોરોના વાયરસ પોઝિટિવ મળી આવ્યા બાદ વડોદરાથી ગોત્રી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. વડોદરા કલેક્ટર શાલિની અગ્રવાલે વીડિયો કોલિંગ દ્વારા તેમની સાથે વાત કરી હતી. કલેક્ટર સાથેની વાતચીતમાં તેમણે ડોક્ટર્સ અને નર્સનાં ખુબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું કે, ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફ સમર્પિત અને નિષ્ઠાવાન છે. મને હોસ્પિટલમાં તમામ સુવિધાઓ મળી હતી.  હું હૃદય પુર્વક તમામનો આભાર માનુ છું.

વડોદરા જિલ્લા કલેક્ટર શાલિની અગ્રવાલે  જણાવ્યું કે, નિખિલ પટેલે કોરોના વાયરસની સાથે કિડનીની બીમારીથી પીડિત હોવાનાં કારણે તેમની કોરોનાની સારવારની સાથે સાથે ડાયાલિસીસની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. તેઓ સ્વસ્થય થયા બાદ તેમને રજા આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, નિકિળ પટેલે 26 માર્ચે કોરોના વાયરસના શંકાસ્પદ લક્ષણો સાથે ગોત્રી હોસ્પિટલમાં દાખલ થયા હતા અને તેમનો કોરોના વાયરસનો ટેસ્ટ પોઝિટિવ આવતા તેમની સારવાર ચાલુ કરાઇ હતી. આજે તેમનો રિપોર્ટ નેગટિવ આવતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી.

(4:17 pm IST)