Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

ગરીબોને ૩ મહિનાનું રાશન મફત આપો, ખેડૂતોને વ્યાજ માફી, છાત્રોને ફી માફી આપો

ગુજરાત કોંગ્રેસ દ્વારા રાજયપાલને આવેદન : વિવિધ માંગણીઓ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળ દ્વારા ગઇકાલે કોરોના સંદર્ભે રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીને આવેદન અપાયેલ તે પ્રસંગની તસ્વીર.

ગાંધીનગર, તા. ૮ :  મહામહીમ રાજયપાલને ગુજરાત કોંગ્રસનું પ્રતિનિધિ મંડળ દ્વારા કોરોના વાયરસના અનુસંધાને આવેદન આપવામાં આવ્યું હતું. આવેદનમાં વિવિધ માંગણીઓ કરવામાં આવી હતી. આવેદન આપવામાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ અમિત ચાવડા, પરેશ ધાનાણી, શકિતસિંહ ગોહિલ, ભરતસિંહ સોલંકી, શૈલેષ પરમાર, નિશિત વ્યાસ વગેરે હાજ હતા.

ગુજરાતના તમામ રેશનકાર્ડ ધારકોને એપ્રિલ-મે અને જૂન મહિનામાં રેશન માફત આપવામાં આવે. ગુજરાતના તમામ ગરીબ અને જરૂરીયાતમંદ પરિવારોને ૩ મહીના માટે રોકડ કેશડોલ આપવામાં આવે, મફત ભોજનની વ્યવસ્થા કરવામાં આવે. સંગ્રહ ન થઇ શકે તેવી ખેતપેદાશો, દુધના વેચાણ માટેની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવે.  ખેડૂતો-સ્વરોજગાર અને નાના વેપારીઓ તથા તમામ પ્રકારના લોનના હપ્તાઓની મુદત ૩૦ જૂન સુધી વધારવી તથા તમામ વ્યાજ-દંડનીય વ્યાજ માફ કરવું જોઇએ. મેડીકલ-પેરા મેડીકલ-આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓને પીપીઇ આપવા, તેમની સુરક્ષા સુનિશ્ચિત કરી, પ્રોત્સાહક ઇન્સેન્ટીવ આપવા વગેરે માંગણીઓનો સમાવેશ થાય છે.

ઉપરાંત ૩૦ જૂન સુધી વીજબીલ, પાણીવેરા સ્થાનિક વેરા સહિતના તમામ વેરામાંથી મુકિત આપવા, મનરેગામાં કામ કરનાર તમામ કાર્ડ ધારકોને ૩૦ જૂન સુધીનું વેતન ખાતામાં જમા આપવા, અસંગઠીત કામદારોને-રોજગારી છીનવાઇ ગઇ હોઇ, રોકડ લાભ આપવા અને તમામ શૈક્ષણિક સ્તરની આગામી સત્રની ફી માફી કરવામાં આવે તેવી માંગણી કોંગ્રેસે કરી છે.

(12:50 pm IST)