Gujarati News

Gujarati News

News of Wednesday, 8th April 2020

કોરોનાની કામગીરીમાં કોઇ પણ સરકારી કર્મચારીનું અવસાન થાય તો ૨૫ લાખની સહાય

મુખ્યમંત્રીની જાહેરાતઃ ખેડૂત ખાતેદારોને ૨૦૦૦ રૂ. લેખે ૬૨ હજાર કરોડ ચૂકવાશે

ગાંધીનગર, તા.૭: રાજય સરકાર ના કોઈપણ કર્મચારી જે કોરોના વાયરસ કોવિડ ૧૯ ની કામગીરી સાથે સંકળાયેલા હોય અને કોરોના અસરગ્રસ્ત થવાથી કોવિડ ૧૯ના કારણે તેનું અવસાન થાય તો રાજય સરકાર આવા કર્મચારીના પરિવારને ૨૫ લાખ રૂપિયાની સહાય આપશે તેવો નિર્ણય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી એ કર્યો છે.

અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે મુખ્ય મંત્રીશ્રીએ આ અગાઉ રાજયના પોલીસ કર્મીઓ માટે અને ત્યાર બાદ નગરપાલિકા મહા નગર પાલિકાના સફાઈ અને. આરોગ્ય કર્મીઓ રેવન્યુ મહેસુલી કર્મચારીઓ તેમજ અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને સરકાર માન્ય સસ્તા અનાજના દુકાન ધારકોને કોરોના વાયરસ સંદર્ભની ફરજ સેવા દરમ્યાન covid 19 થી મૃત્યુના કિસ્સામાં આવી ૨૫ લાખની સહાય આપવાની જાહેરાત કરેલી છે.

હવે તેમણે રાજય સરકારની સેવાના કોઈપણ કર્મચારીનું કોરોના વાયરસ સંદર્ભની કામગીરી દરમ્યાન કોરોનાની અસરથી મૃત્યુ થાય તો તેમના પરિવારને પણ ૨૫ લાખ રૂપિયાની સહાય આપવાનો ઉદ્દાત ભાવ દર્શાવ્યો છે.

ગુજરાતમાં અત્યાર સુધીમાં ૪૦ લાખ કરતાં વધુ ખેડૂત ખાતેદારોની પડખે વર્તમાન કોરોનાની અને લોકડાઉનની સ્થિતિમાં સરકાર સંવેદનશીલતાથી ઉભી રહી છે.

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અન્વયે અત્યાર સુધીમાં આવા ૪૦ લાખથી વધુ ખેડૂત ખાતેદારોના બેંક એકાઉન્ટમાં ચાલુ નાણાકીય વર્ષની સહાયના પ્રથમ હપ્તાની એડવાન્સ રકમ તરીકે પ્રત્યેક ખેડૂત ખાતેદારને ૨૦૦૦ની સહાય પેટે કુલ ૮૦૦ કરોડ જેટલી રકમ કેન્દ્ર સરકારે જમાં કરાવી છે.

પ્રધાન મંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત દેશના દરેક ખેડૂત ખાતેદારને વર્ષ દરમ્યાન ૩ હપ્તામાં કુલ ૬૦૦૦ રૂપિયાની સહાય ભારત સરકાર આપે છે.

પ્રવર્તમાન કોરોના અને લોકડાઉન ની સ્થિતીમાં દેશભરના ૪.૯૧ કરોડ ખેડૂત ખાતેદારોને રાહત આપતા ૨૦૦૦ રૂપિયાના પ્રથમ હપ્તા પેટે કુલ ૬૨ હજાર કરોડની સહાય રકમ આપવામાં આવી રહી છે.

(11:37 am IST)