Gujarati News

Gujarati News

News of Monday, 8th April 2019

રાહુલ ગાંધી ૧૫મી એપ્રિલે ગુજરાત આવે તેવી શકયતા

રાહુલ-પ્રિંયકા ગુજરાતમાં જનસભાઓ સંબોધશે : શત્રુધ્નસિંહા-ઉર્મિલા માંતોડકર સહિતના સ્ટાર પ્રચારકો કોંગ્રેસ તરફથી લોકજુવાળ ઉભો કરવા ગુજરાતમા આવશે

અમદાવાદ, તા.૮: લોકસભાની ચૂંટણી ૨૦૧૯ માટે કોંગ્રેસ-ભાજપના સ્ટાર પ્રચારકોની રેલી અને જાહેર બેઠકોની જાહેરાત કરવામાં આવી છે. ખાસ કરીને હવે ચૂંટણીના આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બંને પક્ષ દ્વારા મહત્તમ અને અસરકારક પ્રચાર પ્રસાર કરવામાં જોતરાયા છે. જો કે, કોંગ્રેસ સૌરાષ્ટ્ર પ્રદેશમાંથી તેના પ્રચાર અભિયાનની શરૂઆત કરશે, જ્યાંથી તેને ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં નોંધપાત્ર વધારો અને સરસાઇ મળ્યા હતા. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ  રાહુલ ગાંધી તા.૧૫મી એપ્રિલે ગુજરાત આવે તેવી પૂરી શકયતા છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીને લઇ રાહુલ ગાંધી તા.૧૫ થી ૨૧ એપ્રિલ વચ્ચે ગુજરાતમાં પાંચ રેલીઓને સંબોધશે. કોંગ્રેસે પક્ષના નેતૃત્વને રાજ્યમાં પ્રિયંકા ગાંધીની વધુ રેલીઓ કરવા માટે કહ્યું છે, કારણ કે તેમને લાગે છે કે ગુજરાતમાં તેમની હાજરી કોંગ્રેસની સ્વીકૃતિને આગળ વધારશે. પ્રિયંકા ગાંધી ઉપરાંત, તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયેલા શત્રુધ્નસિંહા અને ઉર્મિલા માંતોડકર સહિતના સ્ટાર પ્રચારકો પણ કોંગ્રેસ તરફથી લોકજુવાળ ઉભો કરવા ગુજરાત આવશે. કોંગ્રેસની તૈયારીને ધ્યાનમાં રાખીને સત્તાધારી ભાજપએ પણ સૌરાષ્ટ્ર પ્રદેશને પ્રમુખતાથી લીધો છે. અહીં, વડાપ્રધાન નરેન્દ્ર મોદી જુનાગઢમાં તા.૧૦મી એપ્રિલે રેલીને સંબોધશે. બીજીબાજુ, રાહુલ ગાંધી અમરેલી જીલ્લામાંથી ચૂંટણી પ્રચાર શરૂ કરશે. વડાપ્રધાન મોદી તા.૧૦ થી ૨૧ એપ્રિલ વચ્ચે ગુજરાતની ચાર દિવસની મુલાકાતે આવશે. રાહુલ ગાંધી ત્રણ દિવસ માટે ૧૫ એપ્રિલ, ૧૯ એપ્રિલ અને ૨૦ એપ્રિલ અથવા ૨૧ એપ્રિલે ગુજરાતમાં રેલી અને જાહેરસભાઓ યોજે તેવી શકયતા છે. તેઓ અમરેલી જીલ્લાથી તેમનું પ્રચાર અભિયાન શરૂ કરશે, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં બીજી રેલી કરી શકે છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તા.૧૫ મી એપ્રિલે રેલીઓને સંબોધિત કરશે. ૨૦૧૭ માં પક્ષને આ બંને વિસ્તારોમાંથી ચૂંટણી લાભો મળ્યા હતા, તેથી તેમને મજબૂત કરવા માટે આ રેલીઓ નક્કી કરવામાં આવી છે. રાહુલ ગાંધી મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં તા.૧૯ એપ્રિલે પ્રચાર કરશે, જ્યાં તેઓ દરેક ક્ષેત્રમાં એક રેલી યોજશે. એકંદરે, રાહુલ ગાંધી પાંચ જનસભા અને રેલીઓને સંબોધિત કરી શકે છે. રાહુલ ગાંધી સૌરાષ્ટ્રમાં બે રેલીઓ અને રાજ્યના અલગ ભાગોમાં ત્રણ રેલીઓ કરશે. ગુજરાતમાં જાહેરસભા-રેલીઓને સંબોધિત કરનારા અન્ય સ્ટાર પ્રચારકોમાં શત્રુધ્ન સિંહા અને ઉર્મિલા માતોંડકર સાથે મહાસચિવ પ્રિયંકા ગાંધી સામેલ છે. આ લોકોના શીડ્યૂલને હજી સુધી અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું નથી, પરંતુ પ્રિયંકા ગાંધી ગુજરાતમાં ત્રણ સભા-રેલીઓને સંબોધશે. જો કે, સોનિયા ગાંધી અને મનમોહન સિંહ આ વખતે ગુજરાતમાં પ્રચાર કરવા માટે આવી શકશે નહીં. રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી ગુજરાતના વિવિધ મંદિરોની મુલાકાત લે તેવી અપેક્ષા છે. ચૂંટણી પ્રચાર દરમિયાન તે બંને અંબાજી અને સોમનાથ જઈ શકે છે. કોંગ્રેસના આંતરિક સૂત્રોએ જણાવ્યું હતું કે ભાજપ શહેરી વિસ્તારોમાં સખત કાર્ય કરે છે, તેથી કોંગ્રેસે તેના ચૂંટણી અભિયાનનું ફોકસ અને રેલી સ્થળોની પસંદગી ગ્રામીણ વિસ્તારોમાં કરી છે. લોકસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી મહત્તમ બેઠકો આંચકી લેવા માટે કોંગ્રેસે આ વખતે ભારે જોર અને આક્રમક ચૂંટણી વ્યૂહરચના સાથે રણનીતિ ઘડી છે.

(9:45 pm IST)